ટંકારાના અમરનાથ મંદિરે ગર્ભગૃહની બહારથી જ શિવલિંગ પર અભિષેક કરાઈ છે, જાણો કઈ રીતે..

ભાવિકો પાત્રમાં જલાભિષેક કરે એટલે જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલિંગ ઉપર જ ઢળે છે

ટંકારા : શિવની ભક્તિ કરવાનો માસ એટલે શ્રાવણ. કોરોના મહામારીના કારણે આ વર્ષે જલાભિષેકથી લઈ ભીડ ન થાય એ માટે શિવાલયોમા ધ્યાન રાખવું પડે છે. ત્યારે ટંકારા શહેરના હાઈવે પર દયાનંદ સોસાયટી નજીક બિરાજતા અમરનાથ મહાદેવના મંદિરમા ગર્ભગૃહમા સ્થાપિત શિવલીંગ ઉપર ભાવિકજનો દ્વારા દુધાભિષેક કે જલાભિષેક કરવા મંદિરના ગર્ભગૃહમા જવાની જરૂર નથી.

મંદિરના મુખ્ય દરવાજાની બહાર જ ઉભા રહીને જલાભિષેક કરી શકાય તે માટે જળ જીલવાનુ લોટીપાત્ર ફિટ કરવામા આવ્યુ છે. ભકતજન તે પાત્રમા જલાભિષેક કરે એટલે પાત્રનુ જળ સીધુ પાઈપ લાઈન દ્વારા શિવલીંગ ઉપર જ ઢળે છે અને અભિષેક થવા લાગે છે. શિવલીંગને ભાવિક સ્પર્શ કર્યા વગર અભિષેક કરી શકે તેવા તર્ક અંગે અભિષેક કરનાર ભાવિકની અભિષેક કરવાની ઈચ્છા પૂર્ણ થાય એ માટે આ વિશેષ વ્યવસ્થા ઉભી કરાઈ છે. હાલના કોવિડ-19 કાળમા આ આધુનિક યુક્તિ ખુબ લાભદાયી બની છે. તેમજ નિજ મંદિરમા જ્યાં ભોળાનાથ બિરાજે છે, તે ગર્ભ ગૃહ સ્વચ્છ રહે છે. આમ, ‘સ્વચ્છતા ત્યાં પ્રભુતા’નુ સુત્ર અહી આધુનિકતા સાથે સાર્થક થતુ જોવા મળે છે.