મોરબી : ઋષભનગરમાં લૉ વોલ્ટેજ તથા વીજળી બંધ થવાની સમસ્યાનો ઉકેલ લાવવા રજૂઆત

સામાકાંઠા વિસ્તારમાં ચાર મહીનાથી લૉ વોલ્ટેજ તથા વિજલાઈટ વારંવાર જવાથી લોકો પરેશાન

મોરબી : મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રુષભનગર-૧ સોસાયટીના પ્રમુખ કનકસિંહ ડી. જાડેજા દ્વારા લૉ વોલ્ટેજ તથા વીજળી બંધ થવાની સમસ્યાનો ઉકેલ લાવવા રાજ્યના ઉર્જા તથા પેટ્રો કેમિકલ વિભાગના મંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે રુષભનગર-૧ સોસાયટીમાં લૉ-વોલ્ટેજ તથા વિજલાઈટ વારંવાર જવાથી રહીશો ખુબ જ હેરાન-પરેશાન થાય છે. તા. ૧/૮/૨૦૨૦ ના રોજ રાત્રીના ૧૨:૩૦ કલાકે લાઈટ ગયેલ ત્યારબાદ કમ્પ્લેઇન લખાવેલ પરંતુ એક કલાક સુધી કોઈ માણસ રીપેર કરવા આવ્યું ન હતું. રહીશોએ કોલ કર્યો તો ગાડીનો ડ્રાઈવર હાજર ન હોવાથી ગાડીનો ડ્રાઈવર આવશે ત્યારે આવીશું, આવા જવાબ અવારનવાર મળે છે. ત્યારે પી.જી.વી.સી.એલ.ના એન્જીનીઅર તેમજ ડિવિઝનલ એન્જિનિયરને મોબાઈલ કોલ કરેલા પરંતુ અધિકારીઓ ક્યારેય કોલ ઉપાડતા નથી. આ બાબતે છેલ્લા ચાર મહિનાથી વારંવાર લેખિત તથા મૌખિક રજુઆતો પણ કરેલ તેમ છતાં આજ દિન સુધી પ્રશ્નનો ઉકેલ આવેલ નથી. તેથી, આ બાબત પી.જી.વી.સી.એલ.ના મુખ્ય અધિકારીને કમ્પ્લેઇન પણ કરેલ છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી, આ વૈશ્વિક મહામારીને કારણે લોકડાઉન કરેલું હતું. ત્યારે લોકો ઘરની અંદર જ રહેતા હોય અને લાઈટ વારંવાર જતી હોય અથવા લૉ-વોલ્ટેજના કારણે એ.સી. અને પંખા ચાલતા ન હોવાથી લોકોને પરેશાની ભોગવવી પડે છે. આ સમસ્યાનો તાત્કાલિક ઉપાય લાવવા તેમજ યોગ્ય પગલાં લેવા માટે અપીલ કરવામાં આવેલ છે.