પ્રેરણાદાયી પહેલ : મોરબીની એક ખાનગી સ્કૂલનો 489 વિદ્યાર્થીઓની 3 માસની ફી માફ કરવાનો નિર્ણય

- text


હાલના સંજોગોમાં ફી ઉઘરાવતી સ્કૂલો માટે બોધપાઠ લેવા જેવું પગલું : સામાન્ય અને મધ્યમ વર્ગના વાલીઓને સંતાનોની ફી માફીથી મોટી રાહત

મોરબી : હાલ કોરોનાની મહામારીથી સમગ્ર માનવજાત પ્રભાવિત છે. ત્યારે આવા કપરા સંજોગોમાં ખાનગી સ્કૂલો સ્ટાફના પગારના બહાના હેઠળ શિક્ષણ કાર્ય બંધ હોવા છતાં વિધાર્થીઓની તોતિંગ ફી તેના વાલીઓ પાસેથી ઉઘરાવી રહી છે. ત્યારે મોરબીની એક ખાનગી સ્કૂલના સંચાલકે આગામી ત્રણ મહિના સુધી તેમની સ્કૂલમાં ધો. 1થી 8 સુધીના 498 વિદ્યાર્થીઓ ફી માફી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પછાત વિસ્તાર રણછોડ નગરમાં આવેલી સીતાબેન પરબતભાઈ આહીર નામની ખાનગી સ્કૂલમાં અગાઈથી કન્યા કેળવણી પ્રોત્સાહન આપે છે. જેમાં આ સ્કૂલમાં કોઈ પરિવારની એકથી વધુ દીકરીઓ ભણતી હોય તો માત્ર એક દીકરીની ફી લેવામાં આવે છે. બાકીની એ પરિવારની અન્ય દીકરીઓને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવે છે. ત્યારે હાલની કોરોના મહામારી વચ્ચે સ્કૂલો બંધ હોય કેટલીક ખાનગી સ્કૂલો ફી ઉધરાવતી હોય વાલીઓમાં જબરો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ એસ. પી. આહીર સ્કૂલે હાલના સંજોગોમાં વાલીઓને રાહત આપતો નિર્ણય લીધો છે. જેમાં લોકડાઉનને કારણે કામધંધા બંધ હોય સામાન્ય અને મધ્યમવર્ગીય વાલીઓ પોતાના બાળકોની શાળાની ફી ભરી શકે એમ ન હોવાથી આ ખાનગી સ્કૂલના સંચાલકો અને શિક્ષકોએ સાથે મળીને ધો.1.થી 8 સુધીના 498 જેટલા બાળકોને જૂન, જુલાઈ અને ઓગસ્ટ એમ ત્રણ મહિનાની સ્કૂલ ફીની માફી આપવાનો નિર્ણય જાહેર કર્યો છે.

આ એસ. પી. આહીર સ્કૂલના સંચાલક પરબતભાઇ અહિરે જણાવ્યું હતું કે તેમની સ્કૂલના શિક્ષકોની સહમતીથી વિદ્યાર્થીઓને ત્રણ માસની ફી માફી આપવામાં આવી છે. ત્યારે ખાનગી સ્કૂલના હાલના સંજોગોમાં બાળકોની ફી માફીના નિર્ણયથી વાલીઓ ખુશખુશાલ થઈ ગઈ છે. વાલીઓએ કહ્યું છે કે અમારા બાળકો આ શાળામાં ભણે છે. પણ હાલના સંજોગોમાં સંતાનોની શાળાની ફી ભરવા અસમર્થ હતા. ત્યારે આ સ્કૂલે ફીમાં મોટી રાહત આપી છે. આ શાળાના વાલીઓને જે પ્રકારે સંચાલકોએ રાહત આપી છે. તે રીતે અન્ય ખાનગી સ્કૂલે પણ આવો નિર્ણય લઈને વાલીઓને રાહત આપવી જોઈએ.

- text

વાલીઓ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની હાજરીમાં આ નિર્ણય જાહેર કર્યો

ઉલ્લેખનીય છે કે આજે આ સ્કૂલે વાલીઓની મીટીંગ બોલાવી હતી. જેમાં મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મયુર પારેખ, જિલ્લા પંચાયત પ્રમુખ કિશોર ચીખલીયા તથા વાલીઓની હાજરીમાં આ ખાનગી સ્કૂલે પોતાની શાળાના બાળકોને ત્રણ માસ સુધી ફી માફી આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આ નિર્ણયને મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ બિરદાવ્યો છે.

- text