મોરબી : જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓ સિવાય મોટાભાગની દુકાનો બંધ

- text


અનાજ-કરીયાણું, દૂધ-શાકભાજી, મેડિકલ સ્ટોર સિવાયની બધી જ દુકાનો બંધ

મોરબી : ગઈ કાલે રવિવારે જનતા કરફ્યુ સફળ રહ્યા બાદ આજે સવારે મોરબીના તમામ વિસ્તારોમાં ચહલપહલ જોવા મળી હતી. અમુક વેપારીઓએ પોતાની દુકાનો ખોલી હતી. જો કે પોલીસે જીવન જરૂરી સમાન વેચતી દુકાનો સિવાયના ધંધાર્થીઓને અપીલ કરતા અન્ય તમામ દુકાનો બંધ થઈ હતી. કોરોના વાઇરસને આગળ વધતો રોકવાના ભાગ રુપે ભારતમાં 11 કરતા વધુ રાજ્યો લોક ડાઉન કરવામાં આવ્યા છે ત્યારે મોરબી જિલ્લામાં પણ અનઆવશ્યક હોય એવા લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી રહી છે. વધુ લોકો એકઠા થવાથી કોરોના વાઇરસ પ્રસરવાનો ભય હોય તંત્ર દ્વારા લોકોને ખાસ અને ઇમરજન્સી કામ સિવાય બહાર ન નીકળવાની સલાહ અપાઈ રહી છે. ત્યારે ગઈ કાલના જનતા કરફ્યુ બાદ આજે સવારે મોરબીમાં ઘણા લોકો ઘરની બહાર નીકળ્યા હતા. ઘણી દુકાનોએ તેમના શટર ઉચકાવ્યા હતા. જેને પોલીસે અપીલ કરી બંધ કરાવ્યા હતા. જો કે લોકોએ ભયભીત ન થતા સહકાર આપવાની તંત્ર દ્વારા અપીલ કરાઈ છે. જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ માટેની દુકાનો ખુલ્લી રાખવાની છૂટ અપાઈ હોય લોકોએ પેનિક ન રાખવા અનુરોધ પણ કરાયો છે.

- text