મોરબી : મચ્છુ-2 કેનાલની બાજુઓએ રોડનું કામ તાકીદે ચાલુ કરવા ધારાસભ્ય મેરજાની માંગણી

મોરબી : મચ્છુ-2 કેનાલની કેનાલની બંને બાજુ ડબલ પટ્ટી કરવા માટે બીજી બાજુ ડામર રોડનું કામ તાકીદે ચાલુ કરવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ માંગણી કરી છે.

મોરબી શહેરમાંથી પસાર થતી મચ્છુ-2 કેનાલની એક બાજુ ડામર પટ્ટી રસ્તો આવેલો છે. પરંતુ આ રોડ ઉપરના ટ્રાફિકના ભારણને ધ્યાને લઇ કેનાલની સામેની બાજુમાં પણ ડામર રોડ બનાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાની માંગણી અન્વયે માર્ગ-મકાન વિભાગે રૂ. 17 કરોડ મંજુર કરેલા પણ આ મચ્છુ-2 કેનાલની બંને બાજુ પહોળો મજબૂત રસ્તો કંડલા બાયપાસના સતવારા સર્કલ, ઉમિયા સર્કલ, રવાપર ચાર રસ્તા થઇ લીલાપર સુધીનો કરવો જરૂરી છે. આ રસ્તા માટે અંદાજે રૂ. 49 કરોડનો જોબ નંબર તાકીદે ફાળવવા બ્રિજેશ મેરજાએ રાજ્યના માર્ગ-મકાન વિભાગના મુખ્ય ઈજનેર, સ્ટેટ હાઇવેને વિગતે રજૂઆત કરી તાકીદે માંગણી મુજબ ઘટતી મંજૂરી આપવા માંગણી કરી છે.

આમ, આ કેનાલની બંને બાજુ પૂરતી પહોળાઈનો મજબૂત રસ્તો તાકીદે બનાવવાથી આ રોડ ઉપરના વાહનોના હેવી ટ્રાફિકને લીધે લોકોને પડતી મુશ્કેલી નિવારી શકાશે. જેથી, માર્ગ-મકાન વિભાગે ટોચ અગ્રતાથી આ કામને મંજૂરી આપવા ભારપૂર્વક પુન: માંગણી કરવામાં આવી છે. તેમજ આ મચ્છુ-2 કેનાલને બોક્સિંગ કરી કવર કરવા માટે રાજ્ય સરકારના સિંચાઈ, માર્ગ-મકાન અને શહેરી વિકાસનું સંકલન કરી કામ મંજુર થાય તે માટે લગતા-વળગતા ખાતાને પણ ધારાસભ્યે અગાઉ કરેલ રજૂઆતને પુન: દોહરાવીને તાકીદે જરૂરી નિર્ણય લેવા માંગણી કરી છે. આ ઉપરાંત, આ કેનાલ ઉપર અવની ચોકડીએ આવેલું નાલુ સાંકડું હોય તે પહોળું કરવા તેમજ કેનાલ ઉપર જુદી-જુદી જગ્યાએ નાલા-પુલીયા કરીને રોડની બંને બાજુ વાહનની આવન-જાવન માટે ખાસ સુવિધા આપવાની જરૂરિયાત પાર ભાર મુક્યો છે.