મોરબી : દીકરીને હોમ વર્ક કરાવતા કરાવતા આ મહિલા ટ્રાફિક બ્રિગેડની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે

- text


ફરજ અને પુત્રીના ભણતરને બખુબીપૂર્વક નિભવતા ટી.આર.બી. મહિલા : ટ્રાફિક બીગ્રેડમાં નિષ્ઠાપૂર્વક ફરજની સાથે ખૂબ જ કાળજીપૂર્વક પુત્રીનું લાલન પાલન કરે છે

મોરબી : જીવતા જીવનમાં અણધાર્યા વણાકો આવે ત્યારે માણસ માટે એ પરિસ્થિતિ ટેકલ કરવી અઘરી હોય છે. તેમાંય પતિ સાથે છૂટાછેડા થયા બાદ મહિલાઓ માટે એકલા રહીને જીવન જીવવું કઠિન હોય છે. પણ આવી પરિસ્થિતિમાં મોરબીની ટી.આર બી. મહિલાએ પતિ સાથે છૂટાછેડા થયા બાદ સંજોગો સામે એવી બાથ ભીડી હતી કે આજે તેઓ ભારે સંઘર્ષ વેઠીને સ્વનિર્ભર બની ગયા છે.ટ્રાફિકની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવવાની સાથે ફરજ ઉપર જ પુત્રીને અભ્યાસ કરાવે છે.

મૂળ અમદાવાદના વતની અને હાલ મોરબીના વાઘપરા વિસ્તારમાં ભાડે મકાનમાં 10 વર્ષની પુત્રી કીર્તિકા સાથ એકલા રહેતા અને મોરબી ટી.આર.બી.માં ફરજ બજાવતા 28 વર્ષીય ભાવનાબેન ગોરધનભાઈ પરમારના થોડા વર્ષો પહેલા લગ્ન થયા બાદ જીવનમાં ભારે ઝાંઝાવત સર્જાયો હતો. જેમાં તેમના મોરબીમાં જ લગ્ન થયા હતા અને લગ્ન બાદ તેમણે એક પુત્રીની પ્રાપ્તિ થઈ હતી. પણ પતિ સાથે મનમેળ ન થતા થોડા વર્ષોમાં તેમના લગ્ન જીવનનો અંત આવ્યો હતો અને પતિ સાથે છૂટાછેડા થયા બાદ પિયરનો આશરો લેવાને બદલે એકલા પુત્રી સાથે મોરબીમાં જ રહીને સ્વનિર્ભર બનાવવા માટે ભારે સંઘર્ષ કર્યો છે. જેમાં તેઓ થોડા વર્ષો પહેલા મોરબી ટી.આર.બી.માં જોડાયા હતા.

- text

આ રીતે આર્થિક ઉપાર્જનનું સાધન મળી જતા તેમને પોતાનું અને પુત્રીનું સ્વમાનભેર જીવન જીવાનો સહારો મળી ગયો હતો. તેમની પુત્રી ધો.3 માં ભણે છે અને તેઓ દિવસભર તેઓ રામચોક વિસ્તારમાં ટ્રાફિકની ફરજ બજાવે છે. જો કે તેમની ફરજમાં સ્થળ બદલાતા રહે છે. સવારે પુત્રીને સ્કૂલ મોકલી અને ટ્યુશને ગયા બાદ સાંજે પુત્રી ફરજ પર તેમની સાથે હોય છે. એક તરફ રોડ ઉપર માતા ટ્રાફિકની ફરજ બજાવતી હોય અને બીજી તરફ તેમની નાનકડી પુત્રી ગહનપૂર્વક અભ્યાસ કરતી હોય છે એ કાયમનો ક્રમ છે. આ રીતે છેલ્લા પાંચ વર્ષથી એકલા રહેતા આ મહિલાએ નસીબ કે કોઈને દોષ દેવાને બદલે ખુમારી પૂર્વક આપબળે જીવન જીવી રહ્યા છે. એટલું જ નહીં પુત્રીને ભણાવી ગણાવીને ખૂબ જ ઉમદા રીતે ઉછેરી રહ્યા છે. આજના પુરુષ પ્રધાન સમાજમાં આ મહિલાનો સ્વમાનભેર જીવન જીવવાનો સંઘર્ષ કાબેલીદાદ છે.

- text