ટંકારા : લખધીરગઢના આર્મી જવાન સેવા નિવૃત થતા ગ્રામજનો દ્વારા ગૌરવપૂર્ણ સન્માન કરાયું

- text


ટંકારા : મોરબી જીલ્લાનાં ટંકારા તાલુકાના નાના એવા લખધીરગઢ ગામનો યુવાન પોતાની આર્મિની સર્વિસમાંથી નિવૃત થઈ માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્યાતિત અને ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. સેવાનિવૃત આર્મિમેનને આવકારવા મોરબી જીલ્લા નિવૃત આર્મિમેનો પણ મોટી સંખ્યામાં આ સન્માન સમારંભમાં જોડાયા હતા.

ટંકારાના લખધીરગામનાં પનોતા પુત્ર ચેતનભાઈ નારણભાઇ ઢેઢી તાજેતરમાં આર્મીમાં પોતાનો ફરજકાળ પૂરો કરી સેવાનિવૃત થયા હતા. 23/1/2003માં ભારતીય સેનામાં જોડાયા બાદ 31/01/2020ના રોજ સેવાનિવૃત થતા ચેતનભાઈ પ્રથમવાર પોતાના માદરે વતન પધારતા મોરબી જિલ્લાના તમામ નિવૃત આર્મિમેનોએ હાજર રહી તેમના પરિજનોનુ પણ આ તકે પુષ્પગુચ્છ, સાલ ઓઢાડી ભવ્ય સ્વાગત કર્યું હતું.

31 જાન્યુઆરી 2020ના રોજ સેવાનિવૃત થઈ 02 ફેબ્રુઆરીએ પ્રથમવાર ગામમાં પ્રવેશતા આર્મિમેન ચેતનભાઈની ભવ્ય ગૌરવયાત્રા યોજાઈ હતી. આ યાત્રામાં તેઓનું ભાવભર્યું યથોચિત સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. ગામનાં વરીષ્ટ નાગરિકો, મહાનુભાવો સહીત આગેવાનોએ પોતાના ગામ, સમાજ, રાજય તેમજ દેશનુ નામ રોશન કરનાર ચેતનભાઈની બહાદુરભરી સેવાને બીરદાવી ચેતનભાઈમાંથી પ્રેરણા લઈ અન્ય યુવાનોને પણ આર્મિમાં જોડાવા હાકલ કરાઈ હતી.

પોતાના આર્મિનાં સ્વાનુભવ અંગે પ્રાસંગોચિત વકતવ્યમાં નિવ્રૃત જવાન કેતનભાઈએ પોતાનાં બાળપણના ગોઠીયાઓ સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા. યુવાનીના ઉંબરે ડગ માંડતા જ આર્મિમાં જોડાવાની ઈચ્છા જાહેર કરતા માતાપિતા સહિતના પરિવારજનોની આનાકાની વચ્ચે મજબુત ઈરાદા સાથે ભારતીય લશ્કર જોઈન કર્યું હતું. લશ્કરની કડક તાલીમ પુર્ણ કરી દેશના જુદાજુદા ભાગમાં ફરજના ભાગ રૂપે સેવા આપવાની શરૂ કરી હતી. જમ્મુ, કાશ્મિર, દુર્ગમ એવા લેહ-લડાખથી લઈ ઉરી હુમલામાં પોતાના સ્વાનુભવોનાં રોમાંચક અનુભવો વર્ણવી ઉપસ્થીતોમાં જુસ્સો ચડાવતા ચેતનભાઈએ જણાવ્યું હતું કે પોતાના ગુરુ સમાન અને ટંકારા તાલુકાના મેઘપર ગામના મુછવાળા રવુભા બાપુની સેનામા કડક તાલિમ અને સતત હૂંફ વચ્ચે તેઓએ દેશની સેનામાં કોઈ અડચણ વગર પોતાની ફરજ સંનિષ્ઠ રીતે નિભાવી છે.

- text

આર્મિમાં ગૌરવ રુપ સેવા બાદ હેમખેમ પરત ફરતા નાના એવા લખધીરપુર ગામનાં એક માત્ર ચેતનભાઈએ ગ્રામજનો પરિવારજનો, ગામ સમસ્ત સહીત આ તકે વિશેષ રૂપે ઉપસ્થિત રહેલા પોતાના ગુરુ સમાન રવુભાબાપુ, ગામનાં વડીલ વાઘજીભાઈ બોડા, ધ્રૃવકુમારસિંહજી, સાથી મિત્રો અને પોતાના સેવાકાળ દરમ્યાન સતત હૂંફ આપતા રહેલા ભેરૂબંધો સહિત સન્માન સમારોહના આયોજકોનો આભાર માન્યો હતો.

સાંપ્રત સમયમાં મોબાઈલમાં મસ્ત અને વ્યસત રહેતી યુવાપેઢીને ચેતનભાઈએ આર્મિ, નેવી, એરફોર્સમાં રહેલી ઉજ્જવળ તકો અને આકર્ષક પગાર અન્ય લાભો વિશે માહિતીગાર કરી સેનામાં જોડાવવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા. આ તકે જાણીતા સહકારી અગ્રણી વાઘજીભાઈએ ગામના પનોતા પુત્ર તરીકે ગામનું ગૌરવ વધારનાર ચેતનભાઈ સહીત ટંકારા, મોરબી સહીતથી પધારેલા આર્મિ જવાનોને સહકારી ક્ષેત્ર સહીત તમામ જગ્યાએ પોતાની મદદ અંગે તત્પરતા સહિત પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજકોટ જીલ્લા પંચાયતના માજી ચેરમેન ધ્રૃવકુમારસિંહજીએ ચેતનભાઈએ ચેતનભાઈને દીર્ઘાયુષ્ય અને તંદુરસ્ત જીવન જીવી અન્ય માટે પણ પ્રેરણાદાયક બને તેવી શુભેચ્છા પાઠવી હતી.

આ તકે લેઉવા પાટીદાર સમાજ નિર્મિત વિશાલ શૈક્ષણીક સંકુલમાં સેવાનિવૃત તમામ જવાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ સાથે ઉપવન બનાવવાની ઘોષણા કરતા ટંકારા લેઉવા પટેલ સમાજનાં પ્રમુખ અશોકભાઈએ આ ઉપવનમાં તમામ જવાનોના ફોટા સહીત સેનાને લગતી વિસ્તૃત માહિતી, માર્ગદર્શનનું પ્રેરક તેમજ વિશેષ આયોજન, કોંચીગ, કાઉન્સેલીંગ વ્યવસ્થા કરવામાં આવશે એવી જાહેરાત કરવામાંં આવી હતી. આર્મિ, નેવી, એરફોર્સના ગણવેશમા સજ્જ બાળકોએ આ તકે એક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો.

ઉલેખનીય છે કે આ પ્રકારનાં આયોજનો થકી ગામે ગામ યુવાનોને લશ્કરમાં જોડાઈને દેશની સેવા કરવાની પ્રેરણા મળે એ માટે નિવૃત આર્મીમેનોએ પોતાનો વિચાર રજૂ કર્યો હતો. સેનામાં અપાતી સવલતો અને સેવાનિવૃત્તિ બાદ રહેલી તકો વિશે લોક જાગૃતિ કેળવાય, યુવાનોમાં સાહસ અને હિંમતના ગુણો વિકસે તેમજ જીવનભર જળવાઈ રહે એ માટે યુવાનોને પ્રોત્સાહિત કરતા રહેવાની પ્રતિબદ્ધતા ઉપસ્થિત નિવૃત જવાનોએ વ્યક્ત કરી હતી.

- text