“કાઈપો છે” નહીં પણ “ચગાવ્યો છે..”

- text


(જાગૃતિ તન્ના)
આવતીકાલે ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર એટલે સવારથી બધા પતંગપ્રેમીઓ ધાબા પર ચડીને પતંગ ચગાવવામાં મશગુલ બનશે અને બીજા અનેક લોકો તેમને ચીઅર અપ કરવામાં કાર્યરત થશે, ને સવારથી સાંજ સુધી “કાઈપો છે” ના નાદ ગુંજશે. આપણી માણસોની પ્રકૃતિ પણ કેટલી વિચિત્ર હોય છે! આપણને બીજાની પતંગ કાપીને ખુશી મળતી હોય છે, બીજાને હરાવીને ખુશી મળતી હોય છે! જો કે આ તો વાત થઈ એક તહેવારની ઉજવણીની, એક રમતની, એક ચેલેન્જની, પણ આજકાલ તો આપણી બધાની જિંદગીઓને જાણે આપણે રમત બનાવી દીધી હોય. જેમાં આપણે દરેકે, દરેક ક્ષેત્રમાં અન્યોથી જીતવું હોય છે, અન્યોથી આગળ આવવું હોય છે, અન્યોથી શ્રેષ્ઠ સાબિત થવું હોય છે અને આ અંત વિનાની હરિફાઈ માણસને સતત ને સતત એક જાતના તણાવ તરફ ધકેલતી જાય છે. આજની આ હરિફાઈયુક્ત જિંદગી માણસના મનમાં સતત એક ડરને જીવંત રાખે છે કે પોતે જિંદગીની આ સફરમાં અન્યોથી ક્યાંક પાછળ ના રહી જાય! જિંદગીમાં હરિફાઈ સારી પણ તંદુરસ્ત, અને જે હરિફાઈ તંદુરસ્ત ના હોય એ માણસને પણ મનથી નાદુરસ્ત જ બનાવે.

આપણે દરેકે ઉતરાયણના દિવસે આકાશમાં જાતજાતની  રંગબેરંગી પતંગો ચગતી જોઈ જ હશે અને આવતીકાલે પણ જોઈશુ. પતંગ નામ ભલે એક પણ એમાં પણ કેટલી બધી વિવિધતા હોય છે. દરેક પતંગ કોઈ ને કોઈ રીતે વિશિષ્ટ હોય છે. તે જ રીતે ઈશ્વરે આ દુનિયામાં દરેક વ્યકિત ને કંઈક ને કંઈક વિશેષતાથી નવાજિત કરેલા છે. જેને આપણે માત્ર શોધવાની હોય છે. ઈશ્વરની બનાવેલી આ દુનિયામાં દરેક વ્યકિત વિશિષ્ટ  છે. સરખામણી જે સરખું હોય તેની કરીએ તો યોગ્ય ગણાય,  જો સરખામણી કરવી જ હોય, હરિફાઈ કરવી જ હોય તો પોતાની જાત સાથે કરો. પોતાની જાત સાથે કરેલી હરિફાઈ આપણને આપણી જિંદગીમાં વધુ ને વધુ પ્રગતિ કરવા માટે પ્રેરણા આપે છે. આપણા વ્યક્તિત્વ વિકાસને ગતિમાન બનાવે છે. અન્યો સાથે કરેલી હરિફાઈ આપણને માત્ર ક્ષણિક ખુશી આપી શકે, ત્યારબાદ તો ડર અને ઉદાસી જ. જ્યારે જાત સાથેની હરિફાઈ તમને કાયમી ખુશીની સાથે સંતોષ પણ આપશે. તો આવતીકાલે ઉતરાયણના દિવસે ભલે કાઈપો છે ના નાદ ગુંજવીએ પણ જિંદગીમાં જાત સાથેની હરિફાઈ કરીને “ચગાવ્યો છે” ના સુત્ર ને અપનાવીએ.

અને હા આવતીકાલે પતંગ ચગાવીને ખુબ મજા કરીએ પણ આપણી મજા અન્યો માટે સજા ન બને એ વાતને ધ્યાનમાં રાખીને પાક્કા દોરોઓનો ઉપયોગ ટાળીએ. કેમ કે, પાક્કા દોરાથી પતંગ ચગાવનાર વ્યક્તિ પોતાની આંગળીઓને સુરક્ષિત કરીને પાક્કા દોરાઓથી પતંગ ચગાવતા હોય છે, પણ અન્ય વ્યક્તિઓ અને ખાસ કરીને પક્ષીઓ માટે જાનલેવા સાબિત થાય છે,

- text

હવે આપણને એમ પણ થાય કે જો  પક્ષીઓ ઘાયલ થઇ જાય તો તેમના માટે સારવાર પણ ઉપલબ્ધ છે જ પરંતુ આ તો પહેલા ઘા આપીને પછી મલમ લગાવવા જેવું થયું. જો કોઈ ડોક્ટર ને જોડે લઈને આપણી પાસે આવે અને પહેલા આપણને મારીને પછી આપણી સારવાર કરાવે તો શું તે આપણને મંજૂર હશે ? ચોક્કસ પણે નહીં જ હોય.

માણસ,પશુ કે પક્ષી બધા માં જીવ તો સરખો જ હોય છે માત્ર ખોળિયા અલગ હોય છે, પણ ખબર નહીં કેમ આપણને પક્ષીઓના અમુલ્ય જીવ ની સરખામણીમાં આપણી ક્ષણીક ખુશી કેમ વધુ મહત્વ ની લાગતી હોય છે. પાછું આપણને એમ પણ થાય કે જો માત્ર આપણે જ પાક્કા દોરા ઓ ની બદલે કાચા દોરા ઓ થી પતંગ ચગાવીશું તો તેના થી શું ફેર પડશે  ? બાકી બધા તો પાકકા દોરાઓ થી ચગાવશે જ પણ જો બધા એમ જ વિચારતા હોય તો  ?? એટલા માટે જ સોચ બદલો દેશ બદલો. માત્ર ઉતરાયણ ના દિવસે SAVE BIRDS ના મેસેજ ફોરવર્ડ કરવાથી કંઈ નહીં થાય. ખરેખર તો પક્ષીઓ ને બચાવવા માટે દરેકે દરેક વ્યકિત એ પોતાનું યોગદાન આપવું પડશે. જરા વિચાર કરી જોજો એક વખત કપાયેલી પતંગ પાછી ઉડાડી શકાશે પણ એક વખત પાંખો કપાઈ ગયેલું પક્ષી પાછું કયારેય નહીં ઉડી શકે.

આવતીકાલની ઉતરાયણ સૌના જીવનમાં અનેક ખુશીઓ લાવે એવી ભાવના સહ એટલું જ કહીશ કે,

ઉતરાયણ લાવે સૌના જીવનમાં રંગબેરંગી પતંગોસમા ખુશીઓના તરંગો,
ને સૌના જીવનમાં ફરકતો રહે સદા જાત સાથેની હરિફાઈનો વિજયનો તિરંગો….
– જાગૃતિ તન્ના “જાનકી”
( મોરબી )

- text