મોરબીમાં આજે પતંગોત્સવ : આકાશમાં રચાશે રંગબેરંગી પતંગોની રંગોળી

- text


અબાલવૃદ્ધ અગાશી ઉપર ગીત સંગીતની મહેફિલ સાથે ઉત્તરાયણ મનાવશે : ચીકી, તલ, મમરાના લાડુ, ઝીંઝરા, શેરડી, બોર અને ઉધિયાની જ્યાફ્ત ઉડાવશે : દરેક મકાનની આગાશીઓ પરથી નિર્દોષ ધીંગામસ્તી સાથે કાઇપો છેની બુમો પડશે

મોરબી : ઉત્સવ પ્રિય અને મોજીલા મોરબીવાસીઓમાં ઉત્તરાયણ પર્વને લઈને અનેરો ઉમગ ઉલ્લાસ છવાઈ ગયો છે. ખાસ કરીને આજે ઉત્તરાયણ પર્વ પર પગત ચગાવવાનો ઉન્માદ ચરમસીમાએ પહોંચ્યો છે. ઉત્તરાયણની સવારેથી જ આભની અટારીએ પંતગ યુદ્ધ જામશે. દરેક મકાનની અગાશી ઉપરથી દિવસભર પેચ લડાવાશે. આબાલવૃદ્ધ સહિત સૌ કોઈ મનભરીને પતંગોત્સવ મનભરીને માણશે. દરેક મકાનની આગાશીઓ પરથી નિર્દોષ ધીંગામસ્તી સાથે કાઇપો છે…ની બુમો પડશે અને આબાલવૃદ્ધ અગાશી ઉપર ગીત સંગીતની મહેફિલ સાથે પતંગો ચગાવીને ચીકી, તલ, મમરાના લાડુ, ઝીંઝરા, શેરડી, બોર અને ઉધિયાની જ્યાફ્ત ઉડાવશે. મોરબીમાં આજે ઉત્તરાયણને લઈને આજે દરેક મકાનની અગાશીઓ ઉપર નિર્દોષ આનંદ કિલ્લોલ સાથે ધમાચકડી સર્જાશે. જો કે પાંતગોત્સવને લઈને છેલ્લી ઘડી સુધી પંતગ બજારોમાં ભરપૂર ખરીદી થઈ હતી. છેલ્લા કેટલાક દિવસોથી પતંગોત્સવની બાળકો અને યુવાનો દ્વારા પુરજોશમાં તૈયારીઓ થતી હતી. જેમાં વિવિધ જાતની પતંગો અને ફીરકીઓ ખરીદી થઈ હતી. પતંગ બજારોમાં 150થી વધુ પતંગ અને દોરીઓના સ્ટોલ ધમધમી ઉઠ્યા હતા. ખાસ કરીને ઘણા વિસ્તારોમાં દોરીનો માંજો પાવાની કામગીરી ચાલી હતી. ઉત્તરાયણ પૂર્વે કારીગરોએ રાતભર દોરીઓને માંજો પાઈને મજબૂત બનાવી હતી.

- text

પતંગ બજારોમાં છોટા ભીમ, વડાપ્રધાન મોદી અને અમિત શાહના લોગોવાળી સહિતની વિવિધ જાતની પતંગોની ભારે ડિમાન્ડ રહી હતી. નાના કદથી માંડીને વિશાળકાય પંતગોની મોટા પ્રમાણમાં ખરીદી થઈ હતી. વિવિધ જાતની રૂ.2થી માંડીને આશરે રૂ. 300 સુધીની કિંમતની પતંગોની ભારે ખરીદી થઈ હતી. જો કે ઉત્તરાયણ નિમિતે પંતગ-દોરીની સાથે પીપૂડા, માસ્ક સહિતની વસ્તુઓની પણ ભારે ખરીદી થઈ હતી અને વિવિધ જાતની ચીકી, તલ, મમરાના લાડુ, બોર, શિરડી, ઝીંઝરા સહિતની પણ ખરીદી થઈ હતી. જો કે મકરસંક્રાંતિએ દાન-પુણ્યનું મહત્વ હોવાથી લોકો વિવિધ ખાદ્ય સામગ્રીનું દાન કરશે અને ગૌમાતાઓને લીલું ઘાસ ખવડાવીને પુણ્યનું ભાથું બાંધશે. પાંજરાપોળ સહિતની ગૌશાળા દ્વારા લોકો દાન આપે તે માટે સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ હોય આજે ઉત્તરાયણની સવારથી દરેક અગાશી ઉપર ગીત-સંગીત સાથેની મહેફિલ મંડાશે અને આભની અટારીએ પતંગોનું યુદ્ધ જામશે.

- text