મોરબીમાં કોલગેસિફાયરનો વપરાશ કર્યો હોય તેવા એકમોને વાર્ષિક રૂ. ૧૮.૨૫ લાખનો દંડ ફટકારવાની તજવીજ

સરકારના ત્રણ વિભાગની બનેલી કમિટીએ એનજીટીને કયા કેટલું પ્રદુષણ થયું છે તેનો રિપોર્ટ સોંપ્યો : રિપોર્ટમાં દંડ ફટકારવાની પ્રપોઝલ મુકાઈ, એનજીટી આ પ્રપોઝલને લીલીઝંડી આપશે તો સીરામીક ઉદ્યોગોને મોટો આર્થિક ઝટકો પડશે

મોરબી : મોરબીમાં કોલગેસીફાયરના વપરાશથી પર્યાવરણને અને લોકોના સ્વાસ્થ્યને કેટલું નુકશાન થયું છે તેનો સરકારના ત્રણ વિભાગની બનેલી કમિટીએ રિપોર્ટ તૈયાર કરીને એનજીટીને સોંપ્યો છે.જેમાં કોલગેસિફાયરનો વપરાશ કરનાર તમામ એકમોને વાર્ષિક રૂ. ૧૮.૫૦ લાખનો દંડ ફટકારવાની પ્રપોઝલ પણ મુકવામા આવી છે. જો આ પ્રપોઝલને એનજીટીની લીલીઝંડી મળશે તો સીરામીક ઉદ્યોગોને મોટો આર્થિક ઝટકો સહન કરવાનો વારો આવશે.

એનજીટીએ તાજેતરમાં કોલગેસિફાયર બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેના પગલે મોરબીના તમામ સીરામીક એકમોએ કોલગેસિફાયર બંધ કરીને નેચરલ ગેસનો વપરાશ શરૂ કરી દીધો છે. વધુમાં એનજીટીએ કોલગેસિફાયરથી પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્યને કેટલું નુકશાન પહોંચ્યું છે તે જાણવા માટે દિલ્હી હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ બી.સી. પટેલની અધ્યક્ષતામાં એક કમિટી પણ રચી હતી. આ કમિટીમા જીપીસીબીના રમેશ વ્યાસ, એનઇઇઆરઆઇના ડો. કે.વી. જ્યોર્જ અને સીપીસીબીના પ્રતીક ભારણેનો સમાવેશ કરાયો હતો. આ કમિટીએ મોરબી પંથકમા બેલા નદી તેમજ તેની આસપાસના વિસ્તાર, લખધીરપુર રોડ, જાંબુડિયા ગામ, રફાળેશ્વર તળાવ તેમજ આસપાસના વિસ્તાર, મહાનદી તેમજ આસપાસના વિસ્તાર, પાનેલી ગામ, પાનેલી તળાવ અને કાલેન્દ્રી નદી તેમજ તેના આસપાસના વિસ્તારમાં સર્વે હાથ ધર્યો હતો. આ સર્વે ૧૨ દિવસ ચાલ્યો હતો.

જીપીસીબીના ટોચના સૂત્રના જણાવ્યા મુજબ આ સર્વેમાં પાણી, જમીન, વાયુ અને લોકોના આરોગ્યને ભારે નુકશાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે. વધુમા જે સીરામીક એકમો અગાઉ કોલગેસિફાયરનો ઉપયોગ કરતા તેની પાસેથી દૈનિક રૂ. ૫ હજાર અને વાર્ષિક રૂ. ૧૮.૨૫ લાખનો દંડ વસૂલવા માટેની પ્રપોઝલ પણ આ રિપોર્ટમાં કરવામાં આવી છે. આ રિપોર્ટ હાલ એનજીટીને સોંપવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે શુ પગલાં લેવા તે એનજીટી નક્કી કરશે.

ઉલ્લેખનીય છે કે મોરબીમાં કુલ ૫૮૨ કોલગેસિફાયર કાર્યરત હતા. જે હાલ બંધ કરી દેવામાં આવ્યા છે. પરંતુ અગાઉ જેટલા વર્ષ કોલગેસિફાયરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેના આધારે દંડ ફટકારવાની તજવીજ ચાલી રહી છે. ઉપરાંત પ્રપોઝલમાં આ દંડ વસુલવાની જવાબદારી જીપીસીબીને સોંપવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. નોંધનીય છે કે આ પ્રપોઝલને જો એનજીટી દ્વારા લીલીઝંડી મળી જાશે તો સીરામીક ઉદ્યોગોને મોટો આર્થિક ઝટકો સહન કરવાનો વારો આવશે.

 

માત્ર સીરામીક જ નહીં, પ્રદુષણ ફેલાવ્યુ હોય તેવા તમામ એકમો દંડાશે

કમિટીએ કરેલા રિપોર્ટમાં માત્ર કોલગેસિફાયર વાપર્યું હોય તેવા જ નહીં પરંતુ જેને કોલગેસીફાયર ન વાપર્યું હોય તેવા સીરામીક ઉદ્યોગો તેમજ અન્ય ઉદ્યોગોને પણ દંડ ફટકારવાની પ્રપોઝલ મુકવામાં આવી છે. કમિટી દ્વારા માટેલ રોડ, સરતાનપર રોડ, મકનસર રોડ, જાંબુડિયા, રફાળેશ્વર, પીપળી રોડ, લાલપર, લખધીરપુર રોડ, ઘુંટુ રોડ, ઉંચી માંડલ, કંડલા બાયપાસ ખાતે સર્વે હાથ ધર્યો હતો.જેમાં મોટા પ્રમાણમાં પોલીસડ વેસ્ટ, તૂટેલી ટાઇલ્સ, સ્પ્રે.ડાયર હેગ સહિતના વેસ્ટ મળી આવ્યા હતા.

 

સેનેટરી અને ટાઇલ્સના વેસ્ટનો કન્સ્ટ્રક્શનમા ઉપયોગ કરવા રિસર્ચ હાથ ધરાયો

રિપોર્ટમાં જણાવાયું છે કે સેનેટરી અને ટાઇલ્સના વેસ્ટનો ખુલ્લામા નિકાલ થઈ રહ્યો છે. જે પર્યાવરણ અને લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આ વેસ્ટનો સદુપયોગ કરવામાં આવે તો ઉદ્યોગોને પણ ફાયદો થાય અને પ્રદુષણ પણ ન થાય. હાલ આ વેસ્ટનો રોડ સાહિતના કન્સ્ટ્રકશનમા ઉપયોગ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ત્યારે આ માટે રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ભોપાલમાં આવેલી એડવાન્સ મટિરિયલ્સ એન્ડ પ્રોસેસિસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમા રિસર્ચ ચલાવવામાં આવી રહ્યું છે.

આપણું મોરબી..આપણો રેડીઓ..

Morbi Update ન્યુઝ એપ્લિકેશન અને વેબસાઈટને મોરબીના લાખો લોકોએ વધાવી લીધી છે. ત્યારે મોરબીના લાખો લોકોના પ્રેમ અને આશીર્વાદથી મોરબી અપડેટ દ્વારા સમાચારોથી વધુ આપવાના હેતુ સાથે યંગ ઇન્ડિયા ગ્રુપના સહયોગથી શરૂ કર્યો છે મોરબીનો પોતાનો રેડીઓ એટલે કે મોરબી એપ રેડિયો..

Morbi Update ની નવા રૂપરંગ અને નવા રેડીઓ ફીચર સાથેની એપ્લિકેશન અપડેટ કરવા અથવા ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news