વાંકાનેર પંથકમાં ચાલતો રેતી ખનનનો બેખોફ કારોબાર : તંત્રની મિલિભગત કે અંધારામાં?

- text


સરકારી તંત્રની દેખાડા પૂરતી કાર્યવાહી : ખનીજ માફિયાઓ બેફામ : પોતાના આકાઓના જોરે તંત્રને પીછેહઠ કરવાં મજબૂર બનાવતાં ખનીજ માફિયાઓ

વાંકાનેર પંથક પર કુદરત મહેરબાન હોય દરેક વિસ્તારમાં પુષ્કળ પ્રમાણમાં ખનીજ મળી રહે છે. મોરબી તેમજ વાંકાનેર સિરામિક ઉદ્યોગમાં આ ખનીજનો ભરપૂર ઉપયોગ પણ થઈ રહ્યો છે જેમાં ખનીજ માફીયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ કરી કરોડો રૂપિયાની સરકારી તિજોરીની આવક પોતાની તિજોરીમાં ભરી રહ્યા છે અને સરકારી તંત્ર ખુલ્લી આંખે તમાશો જોઈ રહ્યું છે.

વાંકાનેર પંથકમાં અવારનવાર આવા ખનીજ માફિયાઓ પર સરકારી તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવે છે પરંતુ એ કાર્યવાહી કાં તો ફક્ત દેખાડવા પૂરતી સીમિત હોય છે કાં તો પાશેરામાં પૂરી સમાન બતાવવામાં આવે છે જો કોઈ અધિકારી હિંમત કરી કેસ કરવામાં આવે ત્યારે આ ખનિજ માફિયાઓના આકાઓ આવી આવા કેસ રફેદફે કરી આપે છે. પરંતુ એક વાત તો સ્પષ્ટ છે કે ક્યારેય કોઈ અધિકારીએ વાંકાનેર પંથકમાંથી ખરેખર ખનીજચોરી ડામવા માટે કોઈ નક્કર પગલાં લીધાં નથી.

વાંકાનેર પંથકમાં સૌથી વધુ ખનન થતું હોય તો એ છે કાળી રેતીનો કાળો કારોબાર. વાંકાનેર પંથકમાં મચ્છુ-૧ ડેમથી લઇ જાલસીકા, હોલમઢ, મહિકા, ગારીયા, કેરાળા, ધમલપર (જુનું), લુણસરીયા, ચંદ્રપુર, રાતીદેવળી, વાંકિયા, પંચાસીયા અને પાંચદ્વારકા વિગેરે જગ્યા ઉપર રેતીખનનનો કારોબાર ફૂલ્યોફાલ્યો છે જે સરકારી તંત્રના ધ્યાનમાં પણ છે પરંતુ અધિકારીઓને આ રેતીચોરીના કાળા કારોબારને નેસ્તનાબૂદ કરવામાં જરા પણ રસ નથી! અગાઉ પણ વાંકાનેર પંથકમાં આ રેતી ચોરી બાબતે એસીબીની સફળ ટ્રેપ થયેલ જે દર્શાવે છે કે રેતી ચોરીમાં અધિકારીઓની મિલીભગત છે.

આજની વાત કરીએ તો મોરબી જિલ્લા ખાણ ખનીજ દ્વારા વાંકાનેરના મહીકા અને હોલમઢ ખાતે અચાનક રેતીની ખાણોમાં રેડ પાડવામાં આવેલ પરંતુ ખાણ ખનિજ તંત્ર સ્થળ પર પહોંચે એ પહેલાં ત્યાં ચાલતા 10 લોડરો અને ટ્રકો સ્થળ છોડી જતાં રહેલ અને એક હિટાચી મશીન ઝડપાઈ ગયેલ પરંતુ એ હિટાચી મશીન રેતીચોરીમાં ચાલતું ન હોય અને ખેડૂતોના કૂવો ખોદવા માટે ચાલતું હોય તેના પર કોઈ કાર્યવાહી કરેલ નહીં પરંતુ અહીં પ્રશ્ન એ છે કે ખનીજ અધિકારી રેડ પાડવા આવે છે એવું ખનન માફિયાઓને અગાઉથી જાણ કેવી રીતે થઈ? જે બાબતે અત્યંત આધારભૂત સૂત્રો દ્વારા જાણવાં મળેલ કે ખાણ-ખનીજના કર્મચારીઓ દ્વારા જ આ બધા ખનન માફિયાઓને અગાઉથી જાણ કરવામાં આવે છે અને જાણ થતાં જ ખનન માફિયાઓના વાહનો સ્થળ પરથી દૂર કરવામાં આવે છે. જો ખનીજ અધિકારીઓને કાર્યવાહી કરવી જ હોત તો સ્થળ પર રેતી ચારવાના મોટા ચાયણા અને મોટા પ્રમાણમાં રેતીઓના સટ્ટા સ્થળ પર હતાં તો કેમ તેના પર કોઈ કાર્યવાહી ન કરી?

- text

 

ગત સાંજે આજ વિસ્તારમાંથી વાંકાનેર તાલુકા પોલીસના બે કર્મચારીઓ દ્વારા બે લોડર ગેરકાયદેસર રેતી ખનન સબબ ઝડપી પાડવામાં આવેલ પરંતુ એ લોડરો સ્થળ પરથી પોલીસ સ્ટેશન સુધી પહોંચે તે પહેલાં જ રસ્તામાં સેટિંગ થઇ જતાં કોઈ પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ નહીં અને સબ ખેરિયતનાં ગાણાં ગાયેલ. મહીકા હોલમઢ વિસ્તારમાં અગાઉ પણ ગેરકાયદેસર રેતી ખનન મામલે વાત મારામારી સુધી પહોંચતા બે થી ત્રણ વખત ફોજદારી ફરિયાદ દાખલ થયેલ અને ગામમાં અજંપાભર્યો માહોલ સર્જાયેલ તેમ છતાં તંત્ર દ્વારા ખનીજ માફિયાઓને ખુલ્લી છૂટ આપી હોય તેમ બેખોફ થઇ ગેરકાયદેસર ખાણકામ જોવા મળે છે.

સૌથી ચોંકાવનારી હકીકત તો એ છે કે લુણસરીયા, ધમલપર, કેરાળા, ચંદ્રપુર, રાતીદેવળી, વાંકિયા વગેરે વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી ભરેલી ટ્રકો વાંકાનેર શહેર વિસ્તારમાંથી ખુલ્લેઆમ નીકળે છે અને સેવાસદન પાસેથી રાજકોટ બાજુ જતાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોને દેખાય છે પરંતુ તંત્રને આવાં ગેરકાયદેસર પરિવહન કરતાં ખનીજ વાહનો ક્યારેય દેખાતા નથી? કે ક્યારેય આવા વાહનો ક્યાંથી ભર્યા તે ખાણ દેખાતી નથી? જો ક્યારેક ભૂલેચૂકે આ વાહનો પકડાઈ જાય તો તેમના પર ખાણ ખનીજનો કેસ કરવાને બદલે ફક્ત 279 કે 283 મુજબ કેસ કરી કાર્યવાહી કર્યાનો સંતોષ માનવામાં આવે છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગઈકાલે જે બે લોડર પોલીસ કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવેલ તે પૈકી એક લોડર ગત તારીખ 10-1-2019 ના રાત્રિના વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા ગેરકાયદેસર રેતી ખનન સબબ ઝડપી પાડવામાં આવેલ અને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લોડર અને સાથે રહેલ બે ટ્રેક્ટરનો કબજો રાખવામાં આવેલ. જે કેસમાં કોઈ જાતનો દંડ ન ભરેલ ન હોવા છતાં તે કેસ કઈ રીતે પૂર્ણ થયો? અને કયા નિયમો અંતર્ગત વાહનો મુક્ત થયા તે બાબતની તપાસ જરૂરી બની છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en

 

- text