માતેલા સાંઢની જેમ ઘસી આવેલા ટ્રકે કારને હડફેટે લીધી : ચાલકનુ મોત

અકસ્માત બાદ ડ્રાયવર ટ્રક રેઢો મૂકી ફરાર

મોરબી : અકસ્માત માટે કુખ્યાત બની ગયેલા રાજકોટ મોરબી હાઇવે ઉપર આજે સવારે એક કાળમુખો ટ્રક ઇન્ડિકા કાર સાથે ધડાકા ભેર અથડાતા મોરબીના યુવકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ડ્રાયવર ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો.
અકસ્માતની મળતી પ્રાથમિક વિગતો મુજબ મોરબી રાજકોટ હાઇવે પર બાની વાડી નજીક એક ટ્રક સાથે ઇન્ડિકા કાર નંબર GJ10 AP 6295નો ધડાકા ભેર અકસ્માત સર્જાયો હતો.જેમાં મોરબીના મચ્છી પીઠમાં રહેતા યુસુફ વલીમામદ નોતીયાર ઉં. વ.30 નામના યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાના પગલે સ્થળ ઉપર લોકોના ટોળા જમા થઈ જતા મોટો ટ્રાફિકજામ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને ટ્રાફિકજામ ક્લિયર કરાવ્યો હતો.જ્યારે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મોરબી અપડેટ્સએ થોડા દિવસો પહેલા જ અકસ્માત ઝોન બની ચૂકેલા મોરબી રાજકોટ હાઇવેના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા જેમાં આશંકા વ્યક્ત કરી હતી કે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોયા પછી જ ફોરટ્રેક કામમાં વ્યાપ્ત અનિયમિતતા સુધારશે કે કેમ ? દુર્ભાગ્યે એ આશંકા સાચી પડી છે.

મોરબી અપડેટના ન્યુઝ આપના મોબાઈલમાં સરળતાથી વાંચવા અમારી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને મેળવતા રહો મોરબી જિલ્લાના તાજા સમાચારો..એપ્લિકેશન ડાઉનલોડ કરવા નીચેની લિંક પર ક્લીક કરો..આભાર

https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news&hl=en