ટંકારામાં વિચરતા સમુદાયના પરિવાર માટે ‘ વગર વ્યાજ ની લૉન’નું વિતરણ

૨૬ જેટલા પરિવારને આઠ લાખની લૉન આપવામાં આવી

ટંકારામાં વિચરતા સમુદાયના લોકો રોજગારી મેળવી શકે અને સમાજમાં સમ્માનપૂર્વક રહી શકે તે માટે ‘વિચરતા સમુદાય સમર્થન મંચ(VSSM)’ દ્વારા વ્યાજ વિનાની લૉનના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ દ્વારા સમ્માનિત, સંસ્થાના સચિવ અને નારી શક્તિ માટે કામ કરતાં મિત્તલ પટેલની અધ્યક્ષતા હેઠળ યોજાયો હતો. ચેક વિતરણ ઉપરાંત તેઓએ વ્યસનમુક્તિ પર પણ ભાર મુક્યો હતો.

VSSM દ્વારા ૨૬ જેટલા પરિવારોને આઠ લાખ જેટલી રકમ લૉન સ્વરૂપે આપવામાં આવી હતી. આ ઉપરાંત અભણ અને ગરીબ પરિવારોને નવા વર્ષની શરૂઆતમાં વ્યસનમુક્તિ, બાળકોને ભણાવવા અને સ્વરોજગાર મેળવી પોતાનું જીવન સુધારે તે માટે નાં સંકલ્પો પણ લેવડાવવામાં આવ્યાં હતાં. જેમાં ત્યાં ઉપસ્થિત ૧૦ જેટલા પરિવારોએ દારૂ, ગુટખા, જુગાર, બીડી વગેરેને તિલાંજલિ આપી હતી જેમનું મિત્તલબેને સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે વાદી, મદારી, ગાદલિયા, ડફેર જેવી વિચરતી જાતિનાં લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ વેચીને કમાણી કરતા હોય છે. તેમને સ્વરોજગાર માટે લૉન કોણ આપે? ત્યારે આ સંસ્થાએ તેમનાં પર ભરોસો રાખીને પરિવાર દીઠ ૫૦,૦૦૦ની લૉન આપી છે.

આ તકે પ્રમુખ ભુપતભાઈ ગોધાણી, હેમંતભાઈ ચાવડા, મનસુખભાઇ કામરિયા, જીવણસિંહ ડોડીયા, ગૌતમભાઈ વામજા, પરેશ ઉજરિયા, જયુભા ઝાલા, પ્રદ્યુમનસિંહ દરબાર તથા મામલતદાર કચેરીના સર્કલ સહીત ટંકારાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા કનુભાઈ બજાણીયા અને છાયાબેને જહેમત ઉઠાવી હતી.