મોરબીના ટ્રાન્સપોર્ટમાં પડેલા સેન્ટ્રલ જીએસટીના દરોડા પૂર્ણ : મોટા પાયે બે નંબરી વહીવટ બહાર આવ્યા

હવે મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં જીએસટીના દરોડા પડશે

મોરબી : મોરબીમાં ઇન્કમટેક્સ બાદ સેન્ટ્રલ જીએસટી દ્વારા ૧૦ ટ્રાન્સપોર્ટરને ત્યાં દરોડા પડયા હતા જે આજે પૂર્ણ થયા છે, જો કે આ દરોડા દરમિયાન છેલ્લા સાત વર્ષના સાહિત્ય કબ્જે કરવામાં આવતા આવનાર દિવસોમાં હવે સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં મોટાપાયે જીએસટીના દરોડા પડવાના સાફ – સાફ સંકેતો સાંપડી રહ્યા છે.

જાણવા મળ્યા મુજબ મોરબીના દસ અને જામનગર, કચ્છ મળી કુલ મળી ૧૪ મોટા ગજાના ટ્રાન્સપોર્ટરને ત્યાં જીએસટી ઇન્ટેલિજન્સના દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ટ્રાન્સપોર્ટર દ્વારા કરવામાં આવેલ હેરફેરનું સાહિત્ય મોટા પ્રમાણમાં કબ્જે લેવામા આવ્યુ હોવાનું ટોચના સુત્રો જણાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે પાંચ વર્ષ આગાઉની કાર્યવાહના ભાગરૂપે એક્સાઇઝ ચોરી મામલે આ કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ઇન્કમટેક્સ દ્વારા કોરલ અને કૅપશન ગ્રુપમાં કબૂતર બીલનો કાળો કારોબાર હાથ લાગતા એક સાથે ૧૪ – ૧૪ ટ્રાન્સપોર્ટરને ત્યાં કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને આ કાર્યવાહીમાં મોટાપાયે શંકાસ્પદ વ્યવહારો જીએસટી ઇન્ટેલિજન્સને હાથ લાગ્યા છે અને તેની ચકાસણી પણ શરૂ કરવામાં આવી હોવાનું ખુલ્યું છે.

આ સંજોગોમાં હવે આવનાર દિવસોમાં મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીઝમાં જીએસટી દરોડાનો વ્યાપક દૌર શરૂ થાય તેમ હોવાના સ્પષ્ટ સંકેતો ટોચના વર્તુળોએ આપ્યા હતા.