લાંચિયા લોદરીયાની જામીન અરજી ફગાવતી મોરબી કોર્ટ

- text


કેસની તપાસ ચાલુ હોય આરોપી બહાર આવે તો તપાસને નુકશાન થાય તેમ હોવાની દલીલ માન્ય રખાતા મોરબી સીટી સર્વે કચેરીના સર્વેયર જયેશ લોદરીયાનો જેલવાસ લંબાયો : નોટબંધી સમયે ટંકારા પોસ્ટ ઓફિસમાં પણ લાંચીયાએ ખાતા ખોલાવ્યાની વ્યાપક ચર્ચા

મોરબી : મોરબીમાં મકાન વેચાણની નોંધ પાડવાના બદલામાં લાંચ માંગી લાંચ લેતા રંગે હાથ ઝડપાયેલ સીટી સર્વે કચેરીના સર્વેયર જયેશ લોદરીયાનો જેલવાસ લંબાયો છે, આજે મોરબી કોર્ટમાં લાંચિયા જયેશ લોદરીયાએ જામીન મુક્ત થવા કરેલી અરજીની સુનાવણીમાં સરકાર પક્ષે ધારદાર દલીલ કરી હજુ તપાસ ચાલુ હોવાથી આરોપી બહાર આવે તો તપાસને નુકશાન થાય તેમ હોવાની દલીલ કરતા નામદાર અદાલતે લોદરીયાની જામીન અરજી ફગાવી દીધી હતી. બીજી તરફ નાણાં લીધા વગર કામ ન કરી અબજોપતિ બની ગયેલ લોદરીયાએ નોટબંધી વખતે ટંકારામાં સાથી કર્મચારીઓના નામે ખાતા ખોલાવ્યા હોવાની આજે કોર્ટ બહાર વ્યાપક ચર્ચાઓ ઉઠી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી સર્વે કચેરીમાં એક ચક્રી શાસન ચલાવી કોઈપણ સરકારી કામ લાંચ લીધા વગર ન કરનાર સર્વેયર જયેશ લોદરીયાએ એક વકીલમિત્રના મકાન વેચાણ નોંધ પાડવાના બદલામાં લાંચની માંગણી કરતા ભાઠે ભરાયો હતો અને એસીબીના હાથે મોરબીમાં લાંચ લેતા રંગે હાથ ઝડપાઇ ગયો હતો, લાંચ કેસમાં રંગેહાથ ઝડપાયેલ જયેશ લોદરીયાની એસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 42 હજારના પગારમાં નોકરી કરતા લોદરીયાના ઘરમાંથી 8 લાખ રોકડા, ખિસ્સામાંથી 8000 રૂપિયા ઉપરાંત જુદાજુદા 19 બેન્ક ખાતામાંથી 31 લાખ જેવી માતબર રકમ હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હતું.

- text

આ ઉપરાંત લાંચિયાની સાથે ચાલાક અને ચબરાક જયેશ લોદરીયાએ સીટી સર્વે કચેરીના પટ્ટાવાળાની પત્ની અને પુત્રીના નામે પણ બેંકમાં ખાતા ખોલાવી લખો રૂપિયા જમા કર્યા હોવાનું બહાર આવ્યું હતું, એથી પણ આશ્ચર્યની વાત્ત એ છે કે આજે લોદરીયાની જામીન અરજીની સુનાવણી સમયે પણ કાળા નાણાં નો મુદ્દો છવાયેલો રહ્યો હતો અને લોદરીયાએ નોટબંધી વખતે ટંકારા પોસ્ટમાં સાથી કર્મચારીઓના નામે ખાતા ખોલાવી નાણાં જમા કરાવ્યા હોવાની ચર્ચાઓ ઉઠી હતી.

બીજી તરફ જયેશ લોદરીયાએ જામીન મુક્ત થવા કરેલી અરજીની આજે મોરબી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવતા સરકારી વકીલ વિજયભાઈ જાનીએ જોરદાર દલીલ કરી હાલમાં તપાસ ચાલુ હોય જો આરોપી બહાર આવે તો તપાસને નુકશાન પહોંચાડી શકે તેમ હોવા ઉપરાંત અન્ય બાબતો કોર્ટ સમક્ષ રજૂ કરતા નામદાર અદાલતે લાંચિયા લોદરીયાની જામીન અરજી ફગાવી દીધી હતી.

- text