કાલિકા પ્લોટમાં દારૂ લેવા ગયો હોવાનું રટણ : મોરબી ફાયરિંગ પ્રકરણમાં હિન્દીભાષીએ મો ખોલ્યું

- text


મૂળ બનારસનો રાજવીરસિંહ કામ અર્થે મોરબીમાં રહેતો હોવાનું પોલીસને જણાવ્યું

મોરબી : મોરબીમાં શનિવારે થયેલ ધણીફૂટ ગોળીબારમાં સ્થાનિક લોકોએ ઝડપી લીધેલ શૂટર સારવાર દરમિયાન સ્વસ્થ બનતા પોલીસે લીધેલા પ્રાથમિક નિવેદનમાં મૂળ ઉત્તરપ્રદેશના બનારસના વતની રાજવીરસિંહે પોતે પોતાના મિત્ર સાથે કાલિકા પ્લોટમાં દારૂ લેવા માટે ગયાનું રટણ કરી રહ્યો છે.જો કે, પોલીસને આ વાત ગળે ન ઉતરી રહી હોય આરોપી સંપૂર્ણ સ્વસ્થ બન્યા બાદ જ ઘટના ઉપરથી પડદો ઉચકાશે.

પ્રાપ્ત વિગતો મુજબ શનિવારે મોરબીના કાલિકા પ્લોટમાં થયેલ ધણીફૂટ ગોળીબાર બાદ સ્થાનિકોએ એક ઇસમને ઝડપી લઈ મારઝૂડ કરતા ગંભીર હાલતમાં રહેલ આરોપી પોતાનું નામ પણ બોલી શકે તેવી સ્થિતિમાં ન હતો પરિણામે આ ઇસમને પહેલા મોરબી બાદ રાજકોટ સિવિલમાં ખસેડાયો છે જ્યાં હાલ આરોપીની તબિયત સુધારા ઉપર છે.

- text

બીજી તરફ હોસ્પિટલના બિછાને પડેલ આ આરોપી સ્વસ્થ બનતા ગઈકાલે પોલીસે પ્રાથમિક વિગતો મેળવતા આરોપીનું નામ રાજવીરસિંહ ઇન્દ્રવીરસિંહ ક્ષત્રિય,ઉ.૨૭, અને હાલ મોરબીમાં રહેતો હોવાનું મૂળ ઉત્તરપ્રદેશના બનારસના વતની રાજવીરસિંહે જણાવ્યું હતું, ઘટના અંગે આરોપીએ એવું રટણ કર્યું હતું કે પોતે પોતાના મિત્ર અજય સાથે કાલિકા પ્લોટમાં દારૂ લેવા માટે ગયો હતો અને બીજું કંઈ જાણતો ન હોવાનું જણાવ્યું હતું.

જો કે, આ વાત મોરબી પોલીસને ગળે ઉતરતી ન હોય હવે આરોપી સ્વસ્થ બન્યા બાદ આગવી ઢબની પૂછપરછમાં જ સત્ય બહાર આવે તેમ હોવાનું જણાઇ રહ્યું છે.

- text