મોરબીમાં અધિકારીઓના આશીર્વાદથી નર્મદા કેનાલમાં બેફામ પાણીચોરી

- text


ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં પાઇપ ગોઠવી ખારી નદીમાં વહેવડાવવા આવે છે વિપુલ જળરાશી

મોરબી : એક તરફ રવિ સીઝનમાં વાવેતર કરવા ખેડૂતો નર્મદા કેનાલમાંથી પાણી આવવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે અધિકારીઓની મિલીભગત આને આશીર્વાદથી મોરબી જિલ્લામાં હળવદ નજીક બેફામ પાણી ચોરી કરી ખારી નદીમાં પાણી વહેવડાવવામાં આવી રહ્યું હોવાની ચોંકાવનારી બાબત સામે આવી છે.

મોરબી જિલ્લામા ખેડૂતો નર્મદા કેનાલ મારફતે સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે ઝઝૂમી રહ્યા છે ત્યારે અમુક અધિકારીઓની મીલીભગતને કારણે હળવદ નજીક આવેલ ખારી નદી પાસેથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી લાખો લીટર પાણી બકનળીઓ નાખી ખારી નદીમાં વહેવડાવી મોટા પાયે પાણી ચોરી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે.

- text

મોરબી જિલ્લામાં અપૂરતા વરસાદને કારણે ખેડૂતોની માથે ચિંતાના વાદળો ઘેરાયેલા છે. તેવામાં હાલ ખેડૂતોને રવી સીઝનમાં પણ નર્મદાના પાણી સમયસર ન મળતા ખેડૂતોને પાયમાલ થવું પડે અને મોટા પાયે નુકશાની વેઠવી પડે તેવી નોબત આવી છે કારણ કે, હાલમાં ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાંથી હળવદ નજીક આવેલ ખારી નદીમાં અમુક અધિકારીઓ અને પાણી ચોરોની મીલી ભગતથી બકનળી દ્વારા નદીમાં પાણી વહેવડાવી ખુલ્લેઆમ પાણી ચોરી કરવામાં આવી રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હળવદ – મોરબી સહિતના ખેડૂતોને નર્મદા કેનાલનું પાણી નથી મળી રહ્યું અને બીજી તરફ અહીં મોટા પાયે પાણી ચોરી થઈ રહી છે. તો શું આ જવાબદાર તંત્રની ધ્યાને નહીં આવતું હોય કે આંખ આડા કાન કરવામાં આવે છે તેવા વેધક સવાલો મોરબી માળીયા અને હળવદના ખેડૂતો ઉઠાવી રહ્યા છે.

- text