બોગસ સર્ટીફિકેટ કાંડમાં વાંકાનેરમાં પણ 5 હેલ્થ વર્કરને છુટા કરાયા

- text


ભરતી વખતે અપાયેલા એસ.આઈ.ના સર્ટીફિકેટ નકલી હોવાનું ખુલ્યું

વાંકાનેર : તાજેતરમાં જ બોગસ સર્ટીફિકેટ કાંડમાં જિલ્લામાં રપ જેટલા હેલ્થ વર્કરને છુટા કરી દેવાયા છે જેમાં આજરોજ વાંકાનેર તાલુકામાં ફરજ બજાવતા 5 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરના સેનેટરી ઈન્સ્પેકટરને છુટા કરી દેવામાં આવ્યા છે. જેમાં કોર્ટનો ચુકાદો આવી જતા અને જિલ્લા આરોગ્ય અધિકારીની સુચનાથી તાલુકા હેલ્થ ઓફિસરે ઢુવા પીએચસીના ત્રણ, લુણસરના અને મેસરિયા પીએચસીના એક- એક એમ કુલ મળી 5 હેલ્થ વર્કરને છુટા કરી દેતા દોડધામ મચી જવા પામી છે.

- text

વાંકાનેરમાં ફરજ બજાવતા મલ્ટી પર્પઝ (એમપીએચડબલ્યુ) પૈકી 5 હેલ્થ વર્કરના સેનેટરી ઈન્સ્પેકટરના કોર્ષના પ્રમાણપત્ર બોગસ હોવાનું ખુલ્યું હતું. આથી આ તમામ હેલ્થ વર્કરને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા છુટા કરવામાં આવ્યા છે. વાંકાનેર સહિત રાજયમાં એપ્રિલ-ર૦૧૭ દરમિયાન રાજય સરકાર દ્વારા મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની ભરતી કરવામાં આવી હતી. આ ભરતી દરમિયાન પસંદગી પામેલા ઉમેદવાર પૈકી અનેક ઉમેદવારોએ યુજીસીની માન્યતા વિનાની ગુજરાત બહારની સંસ્થાઓના સેનેટરી ઈન્સ્પેકટરના પ્રમાણપત્ર રજુ કર્યા હતા. જે બાદ એક પક્ષે ગુજરાત હાઈકોર્ટમાં ભરતી પ્રક્રિયામાં પારદર્શક ન હોવા અને પસંદગી પામેલ ઉમેદવારના પ્રમાણપત્ર પર સવાલો ઉભા કરાયા હતા. ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ અંગે તમામ ઉમેદવારોના સર્ટીફિકેટ યુજીસી માન્યતા વાળા છે કે કેમ? તે અંગે ચકાસણી કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા આદેશ કરાયા હતા. જેના પગલે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખરાઈ કરવામાં આવી હતી. જેમાં સમગ્ર બનાવનો પર્દાફાશ થયો હતો.

- text