મોરબી નજીક ગૂંગણમાં પાણી ચોરોને ટપારતા મજૂરની ધોલાઈ

- text


ગૂંગણ ગામની સીમમાં પાણીની પાઇપ લાઈન તોડી પાણી ચોરી કરતા તત્વો બેફામ : કારખાનેદારને ધમકી

મોરબી : મોરબીના ગૂંગણ નજીક પાઇપલાઇન તોડી તેમાંથી આવતું પાણી બે શખ્સો દ્વારા ખાડામાં એકત્ર કરીને તેનું વેચાણ થતું હતું. ત્યારે એક સિરામિક ફેકટરીના મજુરે પાણી લેવાની ના પાડી ટપારતા બન્ને શખ્સોએ મજૂરને ફડાકા મારી ધોલાઈ કરી કારખાનેદારને ધમકી આપતા પાણીચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

- text

જાણવા મળ્યા મુજબ મોરબીના રવાપર રોડ પરના રહેવાસી વનજીભાઈ બાબુભાઈ પાડલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી હકાભાઈ અને પ્રભાતભાઈ રહે નાગડાવાસ વાળા બંને આરોપીએ ગુંગણ નજીક તેમના કેરેમીયા ગ્રેનાઈટો કારખાનામાં જતી પાણીની પાઈપલાઈન તોડી પાણીનો બગાડ કરી પોતાના ખાડામાં પાણી ભરી અને ટેન્કર દ્વારા આજુબાજુના કારખાને તેમજ ફરિયાદીને પણ પાણી વેચાતું લેવાનું કહેતા પાણી લેવાની તેમજ પાણીની લાઈનને નુકશાન કરવાની ના કહેતા બંને આરોપીએ કારખાનાના મજૂરને ફડાકા ઝીકી સાહેદ જયદીપભાઈ પટેલને ધમકી આપી તારા માલિકને અહીં આવવાની ના પાડજે નહિ તો પતાવી દેશું તેવી ધમકી આપતા મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

આ ગંભીર બનાવમાં માથાભારે શખ્સોએ કારખાના માલિકને કારખાને આવશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતા તાલુકા પોલીસે ફરિયાદ નોંધી બન્ને શખ્સોને ઝડપી લીધા હોવાનું જાણવા મળ્યું છે.

- text