મોરબી : લાડકી દીકરી બંસીને શ્રદ્ધાંજલિ અર્પવા બેસણામાં મોટી સંખ્યામાં રક્તદાન કરતા લોકો

- text


કાવર પરિવારે પ્રેરણાદાયી પહેલ કરતા અનેક લોકોએ કર્યું રક્તદાન

મોરબી : રક્તદાન કેમ્પ તો અનેક યોજાતા હોય છે પરંતુ આજે મોરબીના કાવર પરિવારે અનોખી પહેલ કરી પોતાની લાડકવાઈ દીકરીના બેસણામાં સાચી શ્રદ્ધાંજલિ આપવા અને સમાજને ઉપયોગી કાર્ય કરવા રક્તદાન કેમ્પનું આયોજન કરતા અનેક લોકોએ રક્તદાન કરવા ઉમટી પડી મોટો સંદેશો આપ્યો હતો.

મોરબીમાં રહેતા હર્ષદભાઈ કાવરની છ વર્ષની પુત્રી બંસીનું ટૂંકી બીમારી બાદ અચાનક અવસાન થતાં આ પરિવારે આફતની ઘડીમાં પણ સમાજના અન્યોને મદદરૂપ થવા માટે સ્વર્ગસ્થ બંસીના બેસણામાં રક્તદાન કેમ્પ યોજવા નક્કી કર્યું હતું અને આજે સવારે ૮ થી ૧૨ દરમિયાન યોજાયેલ બેસણામાં લોકોએ મોટી સંખ્યામાં રકતદાન કરી સ્વ. બંસીને ખરા અર્થમાં શ્રદ્ધાંજલિ આપી હતી.

- text

કાવર પરિવાર દ્વારા પોતાની લાડકી દીકરી સ્વ. બંસીની યાદમાં બેસણામાં રક્તદાન શિબિર યોજી હોય તેવો આ મોરબી નો પ્રથમ કિસ્સો હોવા છતાં તેમના નિવાસસ્થાન ધ્યાની એપાર્ટમેન્ટ, મધર પેલેસ વાળી શેરી, જયઅંબે સોસાયટી, અવની ચોકડી ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં સ્વૈચ્છિક રક્તદાન કરવા અનેક જાણીતા અને અજાણ્યા લોકો પણ પહોંચ્યા હતા અને રક્તદાન મહાદાનના સૂત્રને સાર્થક કર્યું હતું.

આમ, મોરબીમાં સ્વૈચ્છીક રક્તદાન અંગે જનજાગૃતિને અભાવે બ્લડ બેંકમાં અવાર નવાર રક્તની અછત સર્જાતી હોવાને પગલે મોરબીના કાવર પરિવારે પ્રેરણાદાયી પહેલ કરતા ચોતરફથી આ પ્રેરણાદાયી પહેલને આવકાર મળ્યો છે. અને મોટી સંખ્યામાં લોકો રક્તદાન કરવા ઉમટી પડયાનું આગેવાન નયન પટેલે જણાવ્યું હતું.

- text