મોરબીમાં અનેરો ઇતિહાસ ધરાવતું શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિર

મંદિરના જીર્ણોદ્ધાર માટે મોરબીના મહારાજા વાઘજી ઠાકોરે ઈનામી ડ્રો યોજ્યો હતો : ૫૧ હજારનું ઇનામ જીતનાર સદગૃહસ્થે અડધી રકમ દાનમાં આપી હતી

મોરબી : મોરબીમાં મણિમંદિર નજીક આવેલ અને ૫૦૦ વર્ષથી વધુ જૂનો ઇતિહાસ ધરાવતું શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિર શ્રધ્ધાળુઓમાં અનેરું મહત્વ ધરાવે છે, આ મંદિરનો ઇતિહાસ પણ રસપ્રદ છે, મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે રાજવી પરિવારે ઇસ.૧૯૧૦ માં ઈનામી ડ્રો પણ યોજ્યો હતો.

મોરબીના મણિમંદિર સામે આવેલ શંકર આશ્રમનું નીલકંઠ મહાદેવ મંદિરે શ્રાવણ માસમાંભાવિકોની ભીડ જામી છે, નદી કિનારે સુંદર રમણીય નજારો ધરાવતા આ સ્થળે અગાઉ સાધુઓનો અખાડો હતો બાદમાં અહીં મહાન ભવાદાદાએ સમાધિ લીધી ત્યારે સ્વયંભૂ મંદિર ખૂબ નાનું હતું, બાદમાં ઇસ.૧૯૧૦ માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા નક્કી કરાયું હતું.

મોરબીના રાજા વાઘજી ઠાકોર વર્ષ ૧૯૧૦ માં નિલકંઠ મહાદેવ મંદિરનો જીર્ણોદ્ધાર નાનામાં નાના માણસ સહભાગી બની શકે તે માટે રૂપિયા એક ના દરની ઈનામી ટિકિટો બહાર પાડી હતી અને જેટલો લોક ફાળો એકત્રિત થાય એટલી જ રકમ રાજપરિવાર તરફથી આપવા જાહેરાત કરવામાં આવી હતી. વર્ષ ૧૯૧૦ ના સમય ગાળામાં એ સમયે સવા લાખ ટીકીટ વહેંચાઈ હતી જેમાં ભાગ્યશાળી વિજેતાને રૂપિયા ૫૧ હજારનું ઇનામ આપવા નક્કી કરાયું હતું અને ડ્રો માં એક જૈન સદગૃહસ્થને આ ઇનામ લાગતા તેઓએ ઈનામની અડધી રકમ મંદિરના જીર્ણોદ્ધારમાં આપી દીધી હતી.

આજે પણ સુંદર રમણીય નજારો ધરાવતા સ્વયંભૂ નીલકંઠ મહાદેવ મંદિર શંકર આશ્રમમાં બગીચો સહિતની સુવિધા છે જેનું સંચાલન નગરપાલિકા પાસે છે જો નગરપાલિકા અહીં વિકાસ કરી આ જગ્યાને વિકસાવવા પ્રયાસ કરે તો આ મહાદેવ મંદિર હજુ પણ સુંદર બની શકે તેમ છે.

નીલકંઠ મહાદેવના પાટોત્સવની ભવ્ય ઉજવણી

મોરબી : મોરબીમાં આજે તારીખ 7 સપ્ટેમ્બરને શુક્રવારે નીલકંઠ મહાદેવના પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ભાવિકોએ જોડાઈને ધર્મલાભ લીધો હતો.

મોરબીમાં શંકર આશ્રમ પાસે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરે આજે ૫૧૮માં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૬:૪૫ કલાકે લઘુંરુદ્ર પૂજન, ૧૦:૩૦ કલાકે ધજાજી પૂજન, ૧૦:૪૫ કલાકે ધજાજી આરોહણ અને બપોરે ૧૨ કલાકે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું.