મોરબીના રવાપરમાં બોલેરો કારની ચોરી : નાઈટ પેટ્રોલિંગ પર ઉઠતા સવાલો

એ ડિવિઝન હેઠળના વિસ્તારમાં ત્રણ મકાનના તાળા તૂટ્યા બાદ ચોરીની બીજી ઘટના સામે આવી

મોરબી : મોરબીના એ ડિવિઝન હેઠળના વિસ્તારમાં તસ્કરોએ ઘર કરી લીધું હોય તેમ ચોરીની વરદાતોને એક પછી એક અંજામ આપીને એ ડિવિઝન પોલીસના નાઈટ પેટ્રોલિંગ પર સવાલ ખડાં કરી દીધા છે જેમાં બે દિવસ પૂર્વે ત્રણ મકાનના તાળા તોડી ૩૪ હજારની મત્તાની ચોરીની ઘટનાંની હજુ સુધી પોલીસે ફરિયાદ નોંધી નથી ત્યાં જ વધુ એક બોલેરો કારની ચોરીને તસ્કરોએ અંજામ આપતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર મોરબીના રવાપર ગામ નજીક રવાપર રેસિડેન્સીમાં આવેલ સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટમાં રહતા અને કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરતા મિતુલ સુરેશભાઈ રાવલ ઉ.વ.૨૭ મૂળ દાઉદપુર તા.શમી જી.પાટણ વાળાએ એ ડિવિઝન પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે કે ગત રાત્રીના ૧૨:૩૦ વાગ્યાથી સવારના ૭ વાગ્યાની વચ્ચે અજાણ્યા ઈસમો તેની ચાર લાખની કિંમતની સફેદ કલરની બોલેરો કાર નંબર જીજે૨૪ એએ ૬૨૮૪ ચોરી કરી નાસી છૂટ્યા છે.

એ ડિવિઝન પીએસઆઇ એમ.વી.પટેલે ભોગ બનનારની ફરિયાદ પરથી વધુ તાપસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એ ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા પટેલનગર વિસ્તારમાં એકસાથે ૩ મકાનના તાળા તૂટ્યા હતા. તસ્કરોએ આ ત્રણેય મકાનમાંથી રૂ. ૩૭ હજાર રોકડ અને એક બાઈકની ચોરી કરી હતી. આ ઘટના બાદ પોલીસે માત્ર અરજી લઈને જ સંતોષ માન્યો હતો. તેવામાં વધુ એક ચોરીનો બનાવ સામે આવતા પોલીસના નાઈટ પેટ્રોલિંગ સામે લોકોમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.