ફિલ્મ રીવ્યુ : બ્લેકમેલ (હિન્દી) : બ્લેકમેલ શેના માટે ? બદલો લેવા કે બદલવા !

- text


‘બ્લેકકોમેડી’ જેવા વિષય પર બોલીવુડમાં બહુ ઓછી મુવી બનતી હોય છે. આ પ્રકારની ફિલ્મોમાં ગંભીર સમસ્યાને વિવિધ સિચ્યુએશનના આધારે હળવાશથી રજુ કરવામાં આવે છે. બોલીવુડના નખશિખ અભિનેતા ઈરફાન ખાન દ્વારા અભિનીત ‘બ્લેકમેલ’ ફિલ્મ બોલીવુડની આ પ્રકારની ફિલ્મોની યાદી (જેવી કે, ‘જાને ભી દો યારો’, ‘ઈશ્કિયા’, ‘ન્યુટન’ વગેરે)માં વધારો કરે છે.

પોતાની અભિનયશૈલી અને ડાયલોગ ડીલીવરી માટે જાણીતા ઈરફાન ખાન આ મુવીમાં ‘મી.હેન્ડી’ ટોઇલેટ પેપર કંપનીના એમ્પ્લોયીના રોલમાં છે. ઈરફાન ખાન (ફિલ્મમાં ‘દેવ કૌશલ’) એક ચીવટવાળો વ્યક્તિ છે. (એની આ ચીવટ એના ગાડી પાર્કિંગ સીન, મેસેજ કરવાના ટાઈમિંગ કે ફિલ્મમાં સતત ચાલતા રહેતા તેના આર્થિક આયોજનમાં આપણને દેખાઈ આવે.) આ દેવની મેરીડ લાઈફ થોડી ડીસ્ટર્બ છે. તેની પત્ની અને તેની વચ્ચે ‘કંઇક ખૂટે’ એવો સંબંધ છે. સાંજે ઓફિસમાં સૌથી છેલ્લે ઘરે જનાર દેવને તેનો સહકર્મચારી ઘરે વહેલાં જઈ સરપ્રાઈઝ આપવાની સલાહ આપે છે. દેવ ઘરે તો જાય છે, પણ તે પોતે જ સરપ્રાઈઝ થઇ જાય છે. તેની પત્ની રીના (કીર્તિ કુલ્હારી) તેના લગ્ન પહેલાના બોયફ્રેન્ડ રણજીત અરોરા સાથે બેડરૂમમાં હોય છે. એ બંનેની જાણ બહાર દેવ તેઓને જોઈ જાય છે, ને અહીં સુધી ગોકળગાયની ગતિએ ચાલતી ફિલ્મમાં ટર્નીંગ પોઈન્ટ આવે છે.

દેવ આમતો આર્થિકબોજ તળે દબાયેલો હોય છે અને જોબમાં પણ તેને કોઈ સેલેરી વધવાના સ્કોપ નથી ને એમાં આ પરિસ્થિતિ આવતાં દેવ અણધાર્યું પગલું ભરે છે. દેવ રણજીત સુધી પહોંચીને તેને બ્લેકમેલ કરે છે. આ એક્સ્ટ્રામેરિટલ અફેર છુપાવવા રણજિત તેને પૈસા આપે છે. રણજીતની પત્ની ડોલી એક ધનાઢ્ય બાપની બેટી છે, તેના ઘરમાં રણજીત ઘરજમાઈ તરીકે રહે છે, કાંઈ કમાતો નથી. દેવના બ્લેકમેલિંગથી કંટાળી તે તેની પ્રેમિકા રીનાને જ અજાણ્યો બની બ્લેકમેલ કરવાનું ચાલુ કરે છે. દેવની ઓફીસમાં રહેલ તેનો મિત્ર અને બીજી એક સ્ત્રી કર્મચારી દેવને બ્લેકમેલ કરે છે. આમ, ફિલ્મમાં બ્લેકમેલીંગ ઉપર બ્લેકમેલીંગ થતું રહે છે. ને એ કારણે જ ફિલ્મ ક્યાંક એનો ચાર્મ ગુમાવી બેસે છે. ઉર્મિલા માંતોડકરનો સ્પેશ્યલ અપીરીઅન્સ ધરાવતા ગીત સહીત કોઈ પણ ગીત ખાસ અપીલિંગ નથી. ફિલ્મમાં વચ્ચે આવતા સબ્પ્લોટસ આપણને તેનો અંત શું આવશે અને ક્યારે આવશે તે જોવા અધીરા બનાવી દે એવા છે. આમ, ફિલ્મ પચવામાં થોડી ભારે છે.

- text

ફિલ્મમાં કેટલુંક પ્રતિકાત્મક મુકાયું છે, જેમ કે, ઘરમાં રહેલો અડધો સુકાઈ ગયેલો છોડ ફિલ્મમાં અંત સુધીમાં એક પણ પાંદડા વગરનો થઇ જાય છે, જે પતિ-પત્નીના સંબંધોમાં રહેલી શુષ્કતા દર્શાવે છે. ટોઇલેટમાં ઓફીસના સહ-કર્મચારીઓની પત્નીનાં ફોટોગ્રાફ લઇ જતો દેવ તેની સેક્સ્યુઅલ લાઈફમાં ખુશ નથી એ દર્શાવે છે. ફિલ્મના પહેલા સીનમાં કમ્પ્યુટરમાં ગેમ હારી જતો દેવ છેલ્લા સીનમાં ગેમ જીતી જાય છે. ટોઇલેટ પેપર બનાવતી કંપની પોતાના સ્વાર્થ ખાતર ‘પાણી બચાવો’ અભિયાન ચલાવે છે.

ફિલ્મના અંતમાં રીના તેના બોયફ્રેન્ડ રણજિતનો નંબર ડીલીટ કરે છે, જયારે દેવ પોતાની પત્ની રીનાનો નંબર જ કાયમી ડીલીટ કરી નાખે છે. આ ઘટના દેવના આ પગલા પાછળનો આશય રીના સાથે બદલાનો હતો કે રીનાને બદલવાનો હતો તેવો પ્રશ્નાર્થ આપણા મનમાં છોડી જાય છે !

ફિલ્મની અંતિમ ક્રેડિટસ વખતે દેવ અને રીનાનાં લગ્ન ફ્લેશબેકમાં બતાવ્યા છે. તેમાં મનેકમને દેવની સાથે સંસાર માંડતી રીનાની લગ્નસંબંધ પ્રત્યેની ઉદાસીનતા જ આ સમસ્યા પાછળનું મૂળ કારણ છે એમ દર્શાવ્યું છે.

જોવાય કે નહી?
ફિલ્મમાં રહેલી ‘ગર્ભિત કોમેડી’ના ચાહક હો, ઈરફાન ખાનને દરેક પાત્રની જેમ આ પાત્રને પણ જીવતો જોવો હોય, તેમજ ઓછું બોલીને પણ ઈરફાન બોડી લેન્ગવેજથી કેવો અસરકારક અભિનય કરી શકે છે એ અનુભવવું હોય તો ચોક્કસ જોવાય.

ફિલ્મ જોઇને બહાર નીકળતા એક કપલનો સંવાદ
સ્ત્રી : પેલીએ સામેથી પહેલા જ સ્વીકારી લીધું હોત તો ?
પુરુષ : તો આપણા ૩૦૦ રૂપિયા બચી જાત !!!!

રેટિંગ : ૫/૧૦

આલેખન – મનન બુધ્ધદેવ

- text