મોરબી જિલ્લામાં ચૂંટણી તૈયારી પૂર્ણ : ૮૮૦ મતદાન મથકો માટે ૧૦૧ રૂટ કાલે રવાના થશે

- text


કુલ ૮૮૦ મતદાન મથકો પૈકી ૪૭ મતદાન મથકો ઉપરથી લાઈવ વેબકાસ્ટિંગ થશે

મોરબી : મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં આગામી ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટેની તમામ તૈયારીઓને જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આખરીઓપ આપી દેવાયો છે અને આવતીકાલે ૮૮૦ મતદાન મથકો માટે ૧૦૧ રૂટ ઉપર ચૂંટણી સ્ટાફ મતદાન માટે રવાના થશે.

આજે મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરશ્રી આઈ.કે.પટેલે પત્રકાર પરિષદમાં ચૂંટણી તૈયારીઓને આખરી ઓપ આપે ગયો હોવાનું જણાવી ઉમેર્યું હતું કે ૮૮૦ મતદાન મથકો માટે ૬૫૦૦ થી વધુ ચૂંટણી સ્ટાફ આવતીકાલે મતદાન મથકે રવાના થશે.

જિલ્લાના ૮૮૦ મતદાન મથકો પૈકી ૭૩ જેટલા મતદાન મથકો સંવેદનશીલ હોવાથી આ તમામ મતદાન મથકો માટે ૪૪ માઈક્રો ઓબ્ઝર્વરની નિમણુંક કરવામાં આવી છે અને માઇક્રોઓબ્ઝરવર આ તમામ સંવેદનશીલ મતદાન મથકો ઉપર બારીકાઈ ભર્યું નિરીક્ષણ કરશે.

દરમિયાન જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકોમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા સંપન થાય તે માટે જિલ્લા ૮૮૦ મતદાન મથકો ખાતે ૫૨૮ પોલીસ કોન્સ્ટેબલ, ૮૮૦ હોમગાર્ડ્સ ઉપરાંત ૮૮૦ જેટલા સીઆરપીએફના જવાનો તૈનાત કરવામાં આવશે અને ત્રણેય વિધાનસભા બેઠકમાં એક-એક ડીવાયએસપી દ્વારા બંદોબસ્તનું સુપર વિઝન કરવામાં આવશે.

વધુમાં પત્રકાર પરિષદમાં મતદારોની સુવિધા માટે દરેક કુટુંબ દીઠ એક-એક માર્ગદર્શિકાનું વિતરણ કરવામાં આવ્યું હોવાનું જણાવી જિલ્લા ચૂંટણી અધિકારી પટેલે ઉમેર્યું હતું કે જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોના કુલ ૭૨૫૧૦૦ મતદારો પૈકી ૭૧૪૩૭૭ મતદારોને મતદાર કાપલીનું વિતરણ કરી દેવાયુ છે અને જે કાપલીઓનું વિતરણ નથી થઈ શક્યું એવી કાપલીઓ જે તે મામલતદાર પાસે સીલ કરાવી રાખી દેવામાં આવી છે જેથી આ કાપલીઓનો દુરુપયોગ ન થઈ શકે.

- text

ઉલ્લેખનીય છે કે મતદાનના દિવસે ઇવીએમ કે વિવિપેટ મશીન બગડે તો ૧૦ મિનિટમાં જ જે તે મતદાન મથકમાં મશીન બદલવાની કે ક્ષતિગ્રસ્ત મશીન રીપેર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે એ ઉપરાંત તમામ રિટર્નીગ ઓફિસરને બે-બે એન્જીનીયરની ટીમ ફાળવવમાં આવી છે જે તુરત જ ફરિયાદોનો નિકાલ કરશે ઉપરાંત ત્રણેય વિધાનસભા બેઠકોમાં ૧૦૧ ઝોનલ ઓફિસર મુકવામાં આવ્યા છે જે મતદાન શરૂ થવાથી અંત સુધી સતત રૂટ ઉપર ફરતા રહેશે.

વધુમા જિલ્લા કલેકટર આઈ કે પટેલે જણાવ્યું હતું કે મતદાનના દિવસે મતદાન મથકની ૧૦૦ મીટરની ત્રીજીયામાં ૪ વ્યક્તિને એકઠા થવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે અને ૧૦૦ મીટરની ત્રીજીયામાં વાહન પણ લઇ જઈ નહિ શકાય અને મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

આ ઉપરાંત જિલ્લામાં કુલ ૧૮૧૧ દિવ્યાંગ મતદારો છે જેમની સુવિધા માટે ૪૭ મતદારોએ વ્હીલચેરની ડિમાન્ડ કરતા તેમના માટે સુવિધા ગોઠવવામાં આવી છે.

અંતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે દરેક મતદાન મથક ઉપર મતદાર સહાયતા કેન્દ્ર રાખવામાં આવ્યું છે જેથી કોઈ મતદારને મતદાર યાદીમાં નામ શોધવાથી લઈ તમામ પ્રકારની સહાયતા બુથ ઉપરથી જ મળી શકશે.

- text