માગસર માસની ઠંડી શરૂ થતાં જ મોરબીમાં લગ્નસરાની મોસમમાં ગરમાવો

- text


ડી.જે., ઢોલ-ત્રાસા, કેશિયો પાર્ટીની ધૂમ વચ્ચે બજારમાં ધૂમ ખરીદીનો માહોલ

મોરબી : ઓણસાલ મોરબીમાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી છે,માગસર માસમાં ઠંડીનો માહોલ વધવાની સાથે જ લગ્નસરાની શરણાઈઓના સુર જોરશોરથી વહેવાના શરૂ થયા છે અને બજારમાં ખરીદીનો ધૂમ માહોલ જોવા મળી રહ્યો છે.
ગત વર્ષની તુલનાએ આ વર્ષેની શરૂઆતથી જ લગ્નના પુષ્કળ મુહૂર્ત હોય લગ્નસરાની સિઝન શરૂ થઈ ચૂકી છે એમાં પણ માગસર માસની શરૂઆત થતાં જ મોરબીમાં ઠેર-ઠેર લગનીયા લેવાઈ રહ્યા છે, ઢોલ-શરણાઈના શુરે શેરી મહોલામાં જાનૈયાઓ ધૂમ-ધડાકાભેર નાચતા જોવા મળે છે તો બીજી તરફ રાત્રીના મોડે સુધી ડિસ્કો દાંડિયાના આયોજનો જોવા મળી રહ્યા છે.
પુર બહારમાં ખીલેલી લગ્ન સિઝનને કારણે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને સોની બજાર,કાપડ બજાર, કટલેરી, હોઝિયરી, ફટાકડા, મીઠાઈ-ફરસાણ, કેટરિંગ, પાર્લર સંચાલકોને તો તડાકો બોલી ગયો છે તો વાડી, પાર્ટી પ્લોટ અને હોટેલ અને ટ્રાવેલ્સ સંચાલકોને પણ તેજી-તેજી થઈ ગઈ છે સૌથી વધુ ફાયદો તો ગોર મહારાજ ને થયો છે કારણ કે એક દિવસમાં બબ્બે કરતા વધુ મુહૂર્ત સાચવી ઝડપથી વિધિ પતાવી જાનૈયા માંડવીયાને ખુશ કરી તગડી દક્ષિણા મેળવી રહ્યા છે.
આમ, મોરબીમાં માગસર માસની શરૂઆતમાં ઠંડીએ જોર પકડતાની સાથે લગ્નગાળાની ગાડી પણ ટોપ ગિયરમાં પડતા ચોતરફ ખુશીના માહોલ વચ્ચે બજારમાં તેજીનો સંચાર થતો જોવા મળી રહ્યો છે.

- text

- text