મોરબી : બાવન ગામોને સિંચાઈની સુવિધા બાબતે ઉગ્ર આંદોલનની ચીમકી

મોરબી જીલ્લાના સિંચાઈ વિહોણા બાવન ગામોને સિંચાઈની સુવિધા બાબતે 9મી સુધીનું અલ્ટીમેટમ

મોરબી : મોરબી જીલ્લાના સિંચાઈ વિહોણા બાવન ગામોના ખેડૂતો દ્વારા સૌની યોજના થકી મચ્છુ – ૨ અને મચ્છુ – ૩ ની યોજનાની કેનાલોની કેપેસીટી વધારીને આ બાવન ગામોને કેનાલ દ્વારા પાણી આપવા માટેની માંગણી સાથે ખેડૂતોએ એક વખત નટરાજ ફાટક થી કલેકટર કચેરી સુધી પગપાળા રેલી કાઢીને કલેકટર શ્રી ને આવેદનપત્ર આપેલ હતું. ત્યારબાદ પીપળીયા ચાર રસ્તા થી કલેકટર કચેરી સુધી ટ્રેક્ટર સાથે મોરબી શહેરમાંથી પસાર થઈને આવેદન પત્ર આપેલ હતું. આ વ્યાજબી માંગણી સંદર્ભે સરકાર શ્રી દ્વારા હકારાત્મક પ્રતિભાવ ના મળતા અંતે આજે કોર કમિટીની મીટીંગ મળેલ હતી અને આગામી દિવસોમાં ખુબ જ જલદ કાર્યક્રમો આપીને સરકારનું ધ્યાન દોરવાનો નિર્ણય લેવામાં આવેલ હતો. જો સરકાર તરફથી તારીખ : ૦૯-૦૯-૨૦૧૭ સુધીમાં કોઈ હકારાત્મક જવાબ નહિ આવે તો આ કાર્યક્રમો કરવામાં આવશે. તેવું આંદોલનના આગેવાન કે.ડી.બાવરવાની યાદીમાં જણાવવામાં આવેલ છે.