ટંકારા તબાહ : એક્સલ્યુસીવ ગ્રાઉન્ડ ઝીરો રીપોર્ટ

- text


કરોડોની આર્થિક નુકસાની : ૪૨ પશુઓનાં મૃત્યુ : વીજ પુરવઠો ઠપ્પ : ભયંકર તારાજી અને ખાનાખરાબીની ભીતિ : તંત્ર પહેલા અજાણ્યાઓએ પીડિતોને જમાડતા-આશરો આપતા માનવતા મહેકી ઉઠી

સમગ્ર મોરબી જિલ્લા છેલ્લાં ૪૮ કલાક દરમિયાન વરસેલા અનરાધાર વરસાદને કારણે જિલ્લા આખામાં ઠેરઠેર ભારે તારાજી સર્જાય છે. જેમાં ગત રોજ સવારથી જ ટંકારા તાલુકામાં મેઘરાજા મન મૂકી વરસ્યા બાદ મોરબી જિલ્લાનો ટંકારા તાલુકો વરસાદ વાવાઝોડાની તારાજીમાં સૌથી વધુ અસરગ્રસ્ત રહ્યો છે. ટંકારા તાલુકામાં આશરે ૨૦ ઈંચ જેટલો સાંબેલાધાર વરસાદ પડતા જ્યાં જુઓ ત્યાં તબાહીનાં રૂંવાડા ઉભા કરનારા દ્રશ્યો નજરે પડી રહ્યા છે.

- text

ગત રોજ ટંકારા તાલુકામાં આકાશ ફાંટતા જ સવારથી જ રેસ્ક્યુની ટીમ કામ પર લાગી ગઈ હતી. જેણે અનેક લોકોને ડૂબતા અને આર્થિક જાનહાની બચાવી હતી. પરંતુ આજ રોજ વરસાદ થંભી જતા અને વરસાદી પાણી ઓસરતા સર્વત્ર તબાહીનાં વરવા દ્રશ્ય સામે આવી રહ્યા છે. જેમાં કલ્યાણપુરને જોડતા મુખ્ય રસ્તામાં ૨૦ ફૂંટ ગાબડું પડતા કલ્યાણપુર જવા-આવવાનું સદંતર બંધ થઈ ગામ સંપર્ક વિહોણું થઈ ચૂક્યું છે. આ ઉપરાંત પીજીવીસીએલ વિભાગને આશરે ૧૨થી ૧૫ લાખ નુકસાની થઈ છે. વરસાદને કારણે ખેતરવાડીનાં અનેક વીજ પોલ જમીનદોસ્ત થઈ ગયા છે. ટંકારા તાલુકાનું અમારાપર અને ધુનડા ગામમાં છેલ્લા ૨૪ કલાકથી વધુ સમયથી વીજ પુરવઠો ઠપ્પ થઈ ગામ સંપર્ક વિહોણા છે. ચેકડેમ અને તલાવડીમાં ગાબડું પડતા વરસાદનું અમૃત સમું પાણી પલભરમાં ઓસરીને વહી ગયું હતું.
ટંકારા તાલુકાનાં નાના ખીજડીયા ગામમાં ૧૨, મોટા ખીજડીયા ગામમાં ૨૦, સરૈયામાં ૭ અને નસીતપરમાં ૨ તથા ટંકારા શહેરમાં ૧ પશુ સહિત કુલ ૪૨ જેટલા પશુઓનાં મોત નીપજ્યા છે. તંત્ર દ્વારા વરસાદી ખાનાખરાબીનાં આંકડા મેડિકલ ઓફિસર પાસેથી મગાવી પશુઓનાં પીએમ રીપોર્ટ કરાવીને પીડિતોને સહાયતા ચૂકવાની કામગીરી કામગીરી તંતર દ્વારા શરુ કરી દેવામાં આવી છે.
આ તબાહી વચ્ચે ટંકારામાં માનવતા મહેકી ઉઠી હતી. ટંકારાનાં પુરગ્રસ્ત માણસોને બચાવી અને પીડિત પરિવારનો સામાન તથા ઘરવખરી તણાઈ જતા ઉપર આભ અને નીચે ઘરતી જેવી સ્થિતિમાં ગરીબ પરિવારનાં ૬૦થી ૭૦ વ્યક્તિને બિપીનભાઈ પ્રજાપતિએ જમાડ્યા અને ફૂડ પેકેટ્સ આપ્યા હતા. આ તકે એડી. કલેકટર પી.જી પટેલે માનવતાનું ઉદાહરણ પૂરું પાડતી અ કામગીરીને બિરદાવી છે. આ સિવાય પણ વરસાદી કહેરથી પીડિત બનેલા અનેક લોકોને અજાણ્યા લોકોએ નિસ્વાર્થભાવે જમાડ્યા હતા અને આશરો પણ આપ્યો હતો. આ સિવાય ટંકારા તાલુકાનાં યુવાનોનાં સિદ્ધિ વિનાયક ગ્રુપ અને ટંકારા યુવા ગ્રુપ દ્વારા ફૂડ પેકેટ્સ પીડિતોને પહોંચાડવામાં આવી રહ્યા છે. તંત્ર પહેલા ટંકારા તાલુકાવાસીઓએ સ્વૈચ્છિક જવાબદારી સ્વીકારી સમાજસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા અનેક પીડિત ઘર-પરિવારને આશરો અને સહાય સાથે હિમત મળી છે.
આમ, સમગ્ર ટંકારા તાલુકો વરસાદી કહેરનો ભોગ બન્યો છે. જેમાં ધીમેધીમે ગામડાઓ સાથે સંપર્ક થતા તારાજીની ખબર અને અન્ય માહિતી મળી રહી છે.

મોરબી અપડેટની ટીમના સભ્ય ટંકારાના યુવા પત્રકાર જયેશ ભટાસણા ટંકારામાં ગઈકાલે ભારે વરસાદના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિનો પળેપળનો રિપોર્ટ આપવાની સાથે પૂર અસરગ્રસ્તોની મદદ માટે પણ કામે લાગ્યા હતા. ત્યારે આજે અમારી ટીમના સભ્ય જયેશ ભટાસણા દ્વારા ટંકારા તાલુકાની પૂર બાદની સ્થિતિનો રૂબરૂ ચિતાર મેળવી આ એક્સક્લુઝિવ રિપોર્ટ બનાવ્યો છે.

 

- text