હળવદ : ખેડૂતોએ ૩ હજાર મણ ડુંગળી બ્રાહ્મણી નદીમાં પધરાવી

- text


જગતનાં તાતને કસ્તુરીનાં યોગ્ય ભાવ ન મળતા પગ પર કુહાડી મારવા જેવી પરિસ્થિતિ : ખેડૂતોને ૫૦ રૂપિયાથી વધુ મણ લેખે પડતી ડુંગળીનો બજારમાં ભાવ ૪૦ રૂપિયા : સરકારી નીતિએ ખેડૂતોને રડાવ્યા

હળવદનાં ખેડૂતો ડુંગળીનાં નીચા ભાવથી પરેશાન થઈ ૩ હજાર મણ ડુંગળીનો જથ્થો નદીમાં નાખી રોષ વ્યક્ત કર્યો છે. હળવદ પંથકનાં ૨૦૦ હેક્ટરમાં તૈયાર થયેલી ડુંગળીનાં તૈયાર પાકમાં ખેડૂતોએ રોટાવેટર ફેરવી સરકારી નીતિ સમક્ષ વિરોધ પ્રગટ કર્યો છે.
હળવદમાં આ વર્ષે ૧૨૦૦ હેક્ટર ડુંગળીનું વાવેતર થયું હતું. રાતદિવસની કાળી મજૂરી કરી ખેડૂતોએ તૈયાર કરેલા ડુંગળીનાં પાકને બજારમાં ભાવ ન મળતા જગતનાં તાતની હાલત કફોડી થઈ હતી. આથી ખેડૂતોએ ૩ હજાર મણ ડુંગળી બ્રાહ્મણી નદીમાં ફેંકી દેતા અને ૨૦૦ હેક્ટર ડુંગળીનાં પાકમાં રોટાવેટર ફેરવી દેતા ખેડૂતોની દયનીય અને લાચાર હાલત સૌ સમક્ષ આવી છે.
આ પગલું ભરવા અંગે ખેડૂતોનાં જણાવ્યા અનુસાર ખેતરમાંથી ડુંગળી ઉપાડી બીટવાની મજૂરી જ એક મણ લેખે પચાસ રૂપિયા લાગે છે જ્યારે બજારમાં વેંચાણ કરવા જતા ડુંગળીનાં એક મણનો ભાવ ચાલીસ રૂપિયા મળે છે. આમ, ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળીનો પડતર ભાવ ન મળતા ખેડૂતોએ ડુંગળીનો પાક કરી પગ પર કુહાડી મારી હોય એવી સ્થિતિ સર્જાય છે. તો બીજી તરફ આ પાછળનું મુખ્ય કારણ ખેડૂતો સરકારી નીતિઓને જવાબદાર માની આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે.

- text

- text