મોરબી : ખમણ સાથે ભાજી ખાવાનો અનોખો ટ્રેન્ડ

- text


મોરબીના પ્રખ્યાત જૈન ખમણ અને ભાજી મોરબીયનો માટે ફેવરિટ

મોરબી : મોરબી શહેર સિરામિક ઉદ્યોગ અને ઘડિયાળ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. જ્યારે અહીંના લોકો એટલા જ ખાણીપીણીના શોખીન છે. સ્વાદિષ્ટ વાનગીઓ માટે મોરબી જાણીતું છે. ત્યારે મોરબી અબડેટ મોરબીના લોકોનો અનોખા ટેસ્ટ વિશે જણાવે છે..
તમે નાસ્તામાં ખમણ ચટણી, પુરી ભાજી, ભાજી થેપલા કે ભાજી કોન એવું ટેસ્ટ કર્યું હશે. જ્યારે અહીંના લોકો નાસ્તામાં ખમણ સાથે ભાજી ખાવાનું પસંદ કરે છે. અમદાવાદ બાજુ ખમણ સાથે કઢી આપવામાં આવે છે, જ્યારે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ખમણ સાથે મીઠી ચટણી આપવામાં આવે છે. પરંતુ મોરબીમાં નાસ્તામાં ખમણ સાથે ભાજી પીરસવામાં આવે છે. અહીંના લોકોને આ ભાજી-ખમણનો અનોખો ટેસ્ટ ખુબ પસંદ છે. મોરબીનુ પ્રખ્યાત જૈન ખમણ છેલ્લા ઘણા વર્ષોથી ખમણ સાથે ભાજી પીરસે છે. ત્યાં સવારના સમયે ખમણ ભાજી લેવા લોકોની ભીડ જોવા મળે છે. તો આવો જાણીએ આ વાનગીમાં એવું શું સ્પેશિયલ છે..
મોરબીના જૈન ખમણના માલિક વલ્લભદાસ અમદાવાદી મોરબી અબડેટને જણાવે છે કે, છેલ્લા ઘણા વર્ષોથી અહીંના લોકોને ખમણ સાથે ભાજી પીરસી રહ્યા છે. લોકોને પણ આ અનોખો ટેસ્ટ ખુબ પસંદ છે. પહેલા તેઓ પુરી શાક અને ખમણ બનાવતા હતા. બાદમાં પુરી બનાવવા માટે કરીગરો ન મળતા હોવાથી એવું વિચાર્યું કે ખમણ સાથે ભાજીની વાનગી બનાવીએ. જે અત્યારે ફેમર્સ ખમણ ભાજીના નામે ઓળખાય છે.

- text

ખમણ ભાજીની સ્પેશિયલ વાનગી : ઘર જેવો ટેસ્ટ, ફેમર્સ એન્ડ બેસ્ટ

વલ્લભભાઈ કહે છે કે, ખમણ જે રીતે બધા બનાવે છે એ જ રીતે અમે બનાવીએ છીએ. અહીંના ખમણમાં ફેર એટલો જ હોય છે કે ખમણમાં પાણી હોતું નથી અને ખમણનો તેલમાં વઘાર કરીએ છીએ જેથી ખમણ દબાવવામાં આવેતો તેમાંથી પાણી નીકળતું નથી.
સૂકી ભાજીમાં પણ હરદર, ખાંડ અને તેલનો જ વઘાર કરવામાં આવે છે. તેમાં મરચાનો ઉપયોગ કરવામાં આવતો નથી. જે રીતે લોકો ઘરે ભાજી બનાવે છે તે રીતે જ અહીં ભાજી બનાવામાં આવે છે. જે લોકો ખમણ સાથે ખાઈ શકે એટલા માટે થોડી કઠણ અને મીઠી ભાજી બનાવામાં આવે છે.
જૈન ખમણના ગ્રાહકોને આ અનોખા ટેસ્ટ વિશે પૂછતાં કેટલાક ગ્રાહકોએ મોરબી અપડેટને જણાવ્યું હતું કે, આ ખમણ ભાજીનો ટેસ્ટ તેમને ખુબ પસંદ છે. તેમના ઘરે મહેમાન આવે તો તેમને પણ આ વાનગી અચૂક ટેસ્ટ કરાવે છે. અહીંના લોકોને નાસ્તામાં આ વાનગી લેવાની એક આદત બની ગઈ છે. ખમણ સાથે ભાજી મિક્સ કરીને આપવામાં નથી આવતી પરંતુ જેમ ભાજી પુરી ખાવામાં આવે છે એ જ રીતે એક ડીસમાં ખમણ સાથે ભાજી અલગ આપવામાં આવે છે અને અહીંના લોકોને આ ખમણ ભાજીનો ટેસ્ટ એટલો પસંદ આવ્યો કે આજે વલ્લભભાઈની જૈન ખમણની માત્ર મોરબી શહેરમાં જ ચાર બ્રાન્ચ છે.

- text