મોરબી : લોકભાગીદારી વડે કચરાટોપલી વિતરણ કરાશે 

- text


શહેરનાં જાહેર સ્થળોએ ગંદકી રોકવામાં નિષ્ફળ તંત્રનું વધુ એક ગતકડું

મોરબી : ભારત સરકાર શહેરી વિકાસ મંત્રાલય દ્વારા હર ઘર બે કચરા ટોપલી રાખવાના અભિયાન અંતર્ગત મોરબી પાલિકામાં બેઠક યોજાઈ હતી. જેમાં શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીએ સૂકો અને ભીનો કચરો અલગ રાખી તેનાં એકત્રીકરણ અંગે માહિતી આપી હતી. જો કે શહેરનાં જાહેર સ્થળો પર ગંદકી રોકવામાં નિષ્ફળ પાલિકાનાં તંત્ર માટે આ અભિયાન વધુ એક નવું ચલકચલાણું જ સાબિત થશે તેમ લાગી રહ્યું છે.
દેશમાં ૫ જુનથી ૪ હજાર શહેરોમાં ઘરે ઘરે કચરા ટોપલી રાખવાની યોજના અમલમાં મુકાવાની છે ત્યારે આ યોજનામાં મોરબી શહેરનો સમાવેશ થતો હોય શહેરી વિકાસ મંત્રાલયના અધિકારી ડો.રમાકાંતે મોરબી આવી આ અભિયાન અંગે જરૂરી માહિતી આપી હતી. જેમાં તેમણે પાલિકામાં કર્મચારીઓ અને સખીમંડળોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, અત્યાર સુધી સૂકો અને ભીનો કચરો એક સાથે એક જગ્યાએ ભેગો કરવામાં આવે છે. જેમાં સૂકા કચરાનો ખાતર સુવ્યવસ્થિત રીતે ખાતર તરીકે ઉપયોગ થાય તે રીતે આ અભિયાન હાથ ધરાયું છે. આ અભિયાનમાં દરેક ઘરે બે કચરા ટોપલી રાખી સૂકો અને ભીનો કચરો અલગ નાખવામાં આવશે જેને પાલિકાનાં કર્મચારીઓ ઘર ઘર જઈ લઈ આવશે અને પછી પાલિકાની ડમ્પિંગ સાઈટમાં ઠાલવી દેશે જેથી સૂકા કચરાનો ખાતર તરીકે ઉપયોગ થઈ શકે. ચીફ ઓફિસર સાગર રાડિયાએ જણાવ્યું હતું કે, આ અભિયાન હેઠળ લોકભાગીદારીથી શહેરમાં કચરા ટોપલીનું વિતરણ કરવામાં આવશે. ઉપરાંત બધા લોકો સૂકો અને ભીનો કચરો અલગ ભેગો કરે તેની જાગૃતિ માટેનાં પ્રયાસો થશે. જો કે સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનાર પાલિકા આ અભિયાનમાં કેટલી સારી અને સાચી સાબિત થશે એ તો સમય જ નક્કી કરશે.

- text

- text