વિમા કંપનીને પોલિસી ક્લેઇમનાં રૂ 20 લાખ મરણજનારની પત્નિને આપવા કોર્ટનો આદેશ

વિમા કંપનીએ રૂ.20 લાખનો વિમાનો ક્લેઇમ રિજેક્ટ કરતા પ્રભાબેન ધનજાએ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કંમિશનમાં ફરિયાદ કરી હતી

Morbi: મોરબીનાં ખોડિયાર પાર્કમાં રહેતા પ્રભાબેન ધનજાનાં પતિ ચમનભાઇ ધનજાનાં અવસાન બાદ વિમા કંપનીએ રૂ 20 લાખથી વધુની પોલિસીની રકમને ક્લેમને રિજેક્ટ રદ કર્યો હતો તેની સામે તેમણે મોરબી જિલ્લાની ગ્રાહક સુરક્ષા કોર્ટમાં તેમની જીત થઇ હતી અને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશને વિમા કંપનીને પોલિસીના ક્લેઇમ રકમ આપવા માટે હુકમ કર્યો છે.

આ ફરિયાદ અનુસાર પ્રભાબેન ધનજાનાં પતિ અને જયદીપનાં પિતા ચમનભાઇ ધનજાએ એચડીએફસી ફાઇનાન્સિયલ સર્વિસિસ પાસેથી હોમ લોન લીધી હતી અને એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્સ કંપની પાસેથી હોમ લોનનાં રક્ષણ સંદર્ભની રૂ 20.5 લાખની લોન અને વીમો (ગ્રૂપ ક્રેડિટ પ્રોટેક્ટ પ્લાનની પોલિસી) લીધો હતો.

કેસની હકીકત એમ છે કે, ચમનભાઇ ધનજાએ જ્યારે આ લોન અને વીમા પોલિસી લીધી તે દરમિયાન તેમને શ્વાસમાં તકલીફ થઇ અને ડેન્ગ્યૂ થયો. આથી તેમને ડિસેમ્બર, 2021માં તેમને સાર્થક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં. સારવાર દરમિયાન ચમનભાઇ ધનજાનું 27 ડિસેમ્બર 2021નાં રોજ અવસાન થયું.

ચમનભાઇનાં અવસાન પછી તેમની પત્નિ પ્રભાબેન અને દીકરા જયદીપે વીમા કંપનીનો સંપર્ક કરી ચમનભાઇનાં અવસાન બાદ વીમાની પાકતી પોલિસીની રકમ મેળવવા માટે અરજી કરી પણ વિમા કંપનીએ તેને રિજેક્ટ કરી હતી. આ વિમા પોલિસીનો ક્લેમ ખોટી રીતે રદ કરતા તેમણે મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

પ્રભાબેન ધનજા અને તેમનો દીકરો મોરબીમાં ખોડિયાર પાર્કમાં રહે છે. તેમણે એચડીએફસી ફાઇનાન્સિયલ સર્વિસિસ અને એચડીએફસી લાઇફ ઇન્શ્યોરન્શ કંપની લી સામે ડેફિસિયન્સી ઇન સર્વિસિસ (સેવામાં ખામીઓ) અને અનફેર ટ્રેડ પ્રેક્ટિસની ફરિયાદ કરી હતી.

આ કેસમાં ગ્રાહક સુરક્ષા કોર્ટે ફરિયાદીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને સામેવાળી કંપનીને રૂ 20.5 લાખ અને પાંચ હજાર ચૂકવવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત, સામેવાલી વિમા કંપની ફરિયાદને માનસિક ત્રાસ પેટે રૂ 15 હજાર આપવાનો પણ હુકમ કર્યો હતો અને ફરિયાદ ખર્ચ પેટે રૂ 5000 ચૂકવવાનો હુકમ કર્યો હતો.