આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની સાથે યલો એલર્ટ અપાયું

- text


ઉ. ગુજરાત અને અમદાવાદ સહિત ગુજરાતમાં રાત્રે પણ ઉકળાટ રહેશે

મોરબી : રાજ્યભરમાં ઉનાળાના પ્રારંભ સાથે જ કાળજાળ ગરમી પડવાની શરૂઆત થઈ ચૂકી છે. તેમાં પણ ચાલુ વર્ષે માર્ચ માસમાં જ પુષ્કળ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવ રહેશે. ઉત્તર ગુજરાત અને અમદાવાદમાં પણ તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર કરશે. સમગ્ર રાજ્યમાં દિવસ દરમિયાન તો ઠીક પરંતુ રાત્રીના સમયે પણ ઉકળાટ રહેશે.

- text

હવામાન વિભાગ દ્વારા વાતાવરણ પ્રમાણે અલગ અલગ એલર્ટ જાહેર કરાતા હોય છે. ઉનાળામાં વિવિધ કલરના એલર્ટ હીટવેવની સ્થિતિને આધારે આપવામાં આવતા હોય છે. યલો એલર્ટની પરિસ્થિતિ ઉનાળામાં ત્યારે આવે છે જ્યારે હીટવેવ 2 દિવસ માટે વિવિધ વિસ્તારોમાં રહે છે, પરંતુ તાપમાન નિયંત્રણમાં રહે છે. યેલો એલર્ટ એટલે કે શહેરમાં 41.1થી 43 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. હીટવેવને અમુક લોકો સહન કરી લે છે, પરંતુ બાળકો, વૃદ્ધો કે બીમાર લોકો માટે તે સમસ્યારૂપ બની શકે છે. ઓરેન્જ એલર્ટમાં 43.1થી 45 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય છે. આ પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ બે દિવસથી વધારે ચાલે છે. ઓરેન્જ એલર્ટમાં ખાસ કરીને બપોરના સમયે ઘરબહાર તથા કામ વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ. રેડ એલર્ટની પરિસ્થિતિ ત્યારે આવે છે જ્યારે હીટવેવ 6 દિવસથી પણ વધારે રહે. 45 કે તેથી વધુ ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના હોય ત્યારે રેડ એલર્ટ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં હીટ સ્ટ્રોક અને અન્ય બીમારી થઈ શકે છે. તેથી આવા સમયમાં ખૂબ જ પાણી પીવું અને કોઈ પણ રીતે ગરમી કે સીધા તડકાથી બચવું જોઇએ.

- text