મોરસણીયા પરિવારે સ્વર્ગસ્થ માતાને સેવા, સત્સંગ અને વિવિધ સામાજિક કર્યો દ્વારા અનોખી શ્રદ્ધાંજલિ

- text


ભરતનગર ખાતે રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન જેવા 12 કાર્યો કરાયા

મોરબી : મોરબીના ભરતનગર ગામના 95 વર્ષીય કસ્તુરબેન ભગવાનજીભાઈ મોરસણીયાના સ્મરણાર્થે રક્તદાન કેમ્પ, અબોલ જીવોને ઘાસચારો, ઉપેક્ષિત વિસ્તારના 780 બાળકોને બટુક ભોજન, સંતોના સત્સંગ અને ધૂન ભજન સાથે પરિવાર પ્રબોધન જેવા સમાજ ઉપયોગી 12 કાર્યક્રમ કરીને શ્રદ્ધાંજલિ આપીને અનોખી કેડી કંડારી છે.

આ કાર્યક્રમમાં મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિરના પુરાણી દિવ્યપ્રકાશ સ્વામી, ખોખરા હનુમાન ધામના કથાકાર કનકેશ્વરી મા, બગથળા નકલંગ ધામના મહંત દામજી ભગતે ઉપસ્થિત રહીને કસ્તુરબાને શબ્દાંજલિ આપી હતી. આ ઉપરાંત સંગીતમય સુરાવલીઓ સાથે સદગુરુ પરિવાર પાટડીના મનસુખભાઈ રાધેએ સુંદરકાંડનો સામૂહિક પાઠ કરી સ્વરાંજલિ આપી હતી. જ્યારે કોયલી વાળા સુપ્રસિદ્ધ ભજનિક છગન ભગતે સુર અને શબ્દોથી તરબોલ કરીને સુર સાધનાથી લોક શિક્ષણની વાતો કરી હતી. જ્યારે હરિહર ધામ વેદ વિદ્યાલયના ઋષિ કુમારોએ શ્રીમદ ભગવત ગીતાના સામૂહિક પાઠ કરીને કસ્તુરબાની વંદના કરી હતી.

ગામના ગોર ગુણુભાઈએ શાસ્ત્રોત વિધિથી બાનું તર્પણ કરાવી રક્તદાનથી મહાદાન પિંડદાન કરાવનાર આ મોરસણીયા પરિવારને સુભાષિશ આપ્યા હતા. મોરસણીયા પરિવાર પરિવારે ભરતનગર ગામ અને આસપાસના પાંચ ગામની શાળાઓ અને વાડી વિસ્તારના ઉપેક્ષિત બાળકોને બટુક ભોજન કરાવ્યું હતું. તો ઘરની દીકરીઓએ અબોલ જીવોને અલ્પાહાર કરાવીને બાની સ્મૃતિમાં જીવદયાના સત્કારો કર્યા હતા.

- text

આ તકે આરએસએસના ક્ષેત્ર સંઘચલાક ડો. જયંતીભાઈ ભાડેસીયાએ ઉપસ્થિત રહી શાબ્દિક શ્રદ્ધાંજલિ આપી હતી. જ્યારે મેઘજીભાઈ હિરાણીએ ગાય આધારિત ખેતી અંગે સંવાદ કર્યો હતો. કાર્યક્રમમાં અંતિમ દિવસે મોરબી સંસ્કાર બ્લડ બેન્કના સહયોગથી કસ્તુરબાની સ્મૃતિમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો. જેમાં 67 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. જ્યારે ગામની વિવિધ ક્ષેત્રની કાર્ય પ્રતિભાઓનું અને અતિથિઓનું ગાય વાછરડીની પ્રતિમા, ગોબરથી બનેલી આદિનાથની મૂર્તિ, સ્વામિનારાયણ મંત્ર ગૌમુખી, સાથે તુલસીની માળા અને પ્રેરક પુસ્તકો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.

શ્રદ્ધાંજલિ આપવાના આ પ્રેરણામય કાર્યક્રમમાં ગામના સરપંચ વિઠ્ઠલભાઈ પંચોટિયા, સહકારી આગેવાન નવીનભાઈ ફેફર, સેવાભાવી કાર્યકર્તા વલ્લભભાઈ, માવજીભાઈ સહિતના સ્વજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા અમરશીભાઈ, ધનજીભાઈ, કાંતિભાઈ, રામજીભાઈ સહિતના પરિવારજનોએ સહયોગ આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન ડો. કેશુભાઈ, અશોકભાઈ અને ડો. જયદીપભાઇ મોરસણીયાએ સંભાળ્યું હોવાનું અમરશીભાઈ મોરસણીયાની યાદીમાં જણાવાયું હતું.

- text