બોગસ ઈ-વે બિલ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મોરબીથી ઝડપાયો

- text


કરોડોના કૌભાંડમાં રાજસ્થાન, પંજાબ સુધી તપાસ, ગોલમાલનો આંકડો 5.20 કરોડ પહોંચ્યો

મોરબી : મોરબી સિરામિક ટાઈલ્સ મેન્યુફ્રેક્ચર એસોસિએશન દ્વારા રાજકોટ ડીજીજીઆઈને ફરિયાદ આપવામાં આવી હતી કે કોઈ શખ્સ દ્વારા ખોટા બીલો બનાવી જીએસટી ચોરી કરી ટાઈલ્સનું ફેક્ટરીવાળાના નામે વેચાણ કરે છે. આ મતલબની ફરિયાદ મળ્યા બાદ હરકતમાં આવેલા રાજકોટ ડીજીજીઆઈના સ્ટાફ દ્વારા ગુપ્તરાહે તપાસ હાથ ધરી ફરિયાદમાં તથ્ય જણાતા અંતે બીલો બનાવી ડ્યુટી ભર્યા વગર ટાઈલ્સનું વેચાણ કરનાર માસ્ટર માઈન્ડ નીતિન પટેલની ધરપકડ કરવામાં આવી છે અને તેની પુછપરછમાં આ શખ્સને બીલો વગર માલ વેચનાર 50 થી 60 જેટલા ફેક્ટરીવાળાના નામો પણ ડીજીજીઆઈને હાથ લાગ્યા છે. તેથી હવે તપાસનો રેલો આવા ફેક્ટરીવાળા સુધી લંબાશે તે નક્કી છે.

સંદેશ દૈનિકના અહેવાલ મુજબ મોરબી ટાઈલ્સ મેન્યુફ્રેક્ચર એસોસિએશન દ્વારા થોડા સમય પહેલા રાજકોટ ડીજીજીઆઈને ફરિયાદ આપી હતી કે મોરબીના મેન્યુફ્રેક્ચરના નામે બોગસ ઈ-વે બિલ જનરેટ કરી ટાઈલ્સની સપ્લાય કરી આ જનરેટ કરવામાં આવેલ ઈ-વે બિલ પોર્ટલ પરથી માલની સપ્લાય થતાની સાથે જ કેન્સલ કરવામાં આવી રહ્યા છે. હકીકતે ઓરિજનલ મેન્યુફ્રેક્ચર દ્વારા આવા કોઈ બિલ જનરેટ કરેલ ન હોવા છતાં તેમના નામે બીલો જનરેટ કરી વ્યવસ્થિત ડ્યુટી ચોરીનો કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે. જેની ડીજીજીઆઈએ તપાસ કરતાં અત્યાર સુધીમાં 1 હજાર બીલો જનરેટ કર્યાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત જે ટ્રાન્સપોર્ટરોનો ઉલ્લેખ ઈ-વે બીલમાં કરવામાં આવતો હતો ત્યાં આગળ આવી કોઈ ટ્રાન્સપોર્ટ પેઢીનું અસ્તિત્વ જ ન હતું. બીજી બાજુ માલની ડિલિવરી થતાની સાથે ઈ-વે બિલ પણ જીએસટી પોર્ટલ પરથી કેન્સલ થઈ જતું હતું. આથી રાજકોટ ડીજીજીઆઈને કૌભાંડ થઈ રહ્યાની શંકા દૃઢ બની હતી. આથી પ્રથમ જે ફેક્ટરીના નામે ઈ-વે બિલ જનરેટ કરવામાં આવ્યું હતું ત્યાં તપાસ કરતાં તેમના દ્વારા આવા કોઈ માલનું વેચાણ નહીં કર્યાનું બહાર આવ્યું હતું. આ ઉપરાંત જે ટ્રાન્સપોર્ટનું નામ ઈ-વે બિલમાં દર્શાવવામાં આવ્યું હતું તે પણ ખોટું હતું. આથી ડીજીજીઆઈ દ્વારા ટેક્નોલોજીનો ઉપયોગ કરી કૌભાંડના મૂળિયા સુધી જવા માટે તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન વ્યવસ્થિત કૌભાંડ આચરી અત્યાર સુધીમાં 1000 જેટલા ખોટા ઈ-વે બિલ બનાવી કરોડો રૂપિયાની ડ્યુટી ભર્યા વગર માલનું વેચાણ કર્યાનું બહાર આવ્યું હતું. આથી તેના માસ્ટર માઈન્ડને ઝડપવા માટે રાજકોટ ડીજીજીઆઈ દ્વારા સતત તપાસ ચાલુ રાખવામાં આવી હતી. અંતે આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ મનાતા શખ્સને મોરબીમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.

- text

માસ્ટર માઈન્ડની પુછપરછમાં અત્યાર સુધીમાં રૂ. 5.20 કરોડની ચોરી બહાર આવી છે પરંતું ચોરીનો આંક કરોડોને આંબે તેવી શક્યતા સૂત્રો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. વધુમાં બોગસ બિલિંગમાં કોઈ કારગોની હેરફેર કરવામાં આવતી નથી માત્ર બિલોની જ હેરાફેરી કરવામાં આવે છે. જ્યારે અત્યારે જે રાજકોટ ડીજીજીઆઈએ મોડસ ઓપરેન્ડી ઝડપી લીધી છે તેમાં કારગોની હેરફેર કરવામાં આવે છે. પણ જે મેન્યુફ્રેક્ચર પાસેથી માલ લીધો હોય તેનું કોઈ બિલ લેવામાં આવતું નથી આથી રાજકોટ ડીજીજીઆઈએ આ રીતે બિલ વગરનું માલનું વેચાણ કરનારને સકંજામાં લેશે.

મોરબીના ટાઈલ્સ મેન્યુફ્રેક્ચરના નામે પોર્ટલ પરથી ઈ-વે બિલ જનરેટ કરી ડ્યુટી ભર્યા વગર માલનું વેચાણ કરવાનું વ્યવસ્થિત કારસ્તાન રાજકોટ ડીજીજીઆઈની તપાસમાં બહાર આવ્યા બાદ આ કામ માટે એક વ્યવસ્થિત સીન્ડીકેટ કામ કરી રહી હોવાનું બહાર આવ્યું છે અને આ સીન્ડીકેટને ભેદવા માટે રાજકોટ ડીજીજીઆઈએ કમર કસી છે અને ટૂંક સમયમાં વધુ પર્દાફાશ થાય તેવી શક્યતા છે. રાજકોટ ડીજીજીઆઈની તપાસમાં આ રીતે બોગસ ઈ-વે બિલ જનરેટ કરી ટાઈલ્સનું ડ્યુટી ભર્યા વગર વેચાણ કરવાનું કૌભાંડ ગુજરાત પૂરતું જ મર્યાદિત નથી પરંતુ આ નેટવર્ક રાજસ્થાન અને પંજાબ સુધી વિસ્તર્યું હોવાનું તપાસ દરમિયાન બહાર આવવા પામ્યું છે અને સમગ્ર કૌભાંડની તપાસ ગુજરાત ઉપરાંત બન્ને રાજ્યો સુદી વિસ્તરશે તે નક્કી છે.

- text