મોરબીમાં પાર્કિંગમાંથી ચોરાયેલ ઇનોવા હળવદના ટીકર નજીકથી મળી આવી 

- text


રવાપર રોડ ઉપર બનેલી ઘટના, ઇનોવામાં રોકડા રાખેલ 12 હજાર અને ચાર અન્ય કારની ચાવીઓ ગઈ

મોરબી : મોરબીના રવાપર નજીક લીલાપર કેનાલ રોડ ઉપરના એપાર્ટમેન્ટના પાર્કિંગમાં પાર્ક કરેલી ઇનોવા કાર અજાણ્યો તસ્કર ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જો, કારમાં લાગેલા જીપીએસને કારણે કાર માલિકને આ કાર હળવદના ટીકર નજીકથી મળી આવી હતી પણ કારમાં રહેલી રોકડ ગુમાવવી પડી હતી. જયારે અન્ય એક કિસ્સામાં મોરબી તાલુકાના સાપર ગામે ઘરની બહાર શેરીમાં પાર્ક કરેલું બાઈક ચોરાઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના રવાપર નજીક લીલાપર – કેનાલ રોડ ઉપર આવેલ પ્લેટીનીયમ હાઇટસ નામના એપાર્ટમેન્ટના પાર્કીગમાંથી દિપકકુમાર ધનજીભાઇ દેત્રોજા નામના વેપારીની GJ-36-AL-3710 નંબરની 2024ના મોડલની 36 લાખની કિંમતની ઇનોવા કાર કોઈ અજાણ્યા ચોર ઈસમ ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે, ફરિયાદમાં જણાવ્યા મુજબ અડધી રાત્રે એપાર્ટમેન્ટમાં ઘુસેલા બુકાનીધારી શખ્સે ચાવીના સ્ટેન્ડમાંથી ચાવી લઈ પહેલા અન્ય કાર ચોરવા પ્રયાસ કર્યો હતો પરંતુ કાર નહીં નીકળતા ઇનોવા કાર લઈને નાસી ગયો હતો, આ ઇનોવા કારમાં રોકડા રૂપિયા 12 હજાર પડ્યા હોય તસ્કરો ફાવી ગયા હતા. તસ્કર અન્ય ચાર ગાડીની ચાવી પણ ચોરી ગયો હતો, જો કે, ઇનોવામાં જીપીએસ હોય આ ઇનોવા હળવદના ટીકર ગામે હોવાની જાણકારી મળતા ફરિયાદી ઇનોવા કાર ત્યાંથી પરત લાવી કારની ચોરીમાં ટીકર ગામના જ કોઈ વ્યક્તિ વિરુદ્ધ શંકા કરી હતી.

- text

જયારે બીજા એક બનાવમાં મોરબી તાલુકાના સાપર ગામે રહેતા પેથાભાઇ સિધ્ધરાજભાઇ હમીરપરા ઘરની બહાર શેરીમાં સ્કુલ પાસેથી જાહેર જગ્યામા પાર્ક કરેલ રૂપિયા 20 હજારની કિંમતનું બાઈક કોઈ અજાણ્યો તસ્કર ચોરી જતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- text