સરકારી કચેરીઓની મુલાકાત સાથે હળવદની માથક શાળાના બાળકોએ બેગલેસ ડે ઉજવ્યો

- text


હળવદ માર્કેટિંગ યાર્ડ અને કોર્ટની પણ બાળકોને મુલાકાત કરાવવામાં આવી

હળવદ : પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને અનુભવ દ્વારા જ્ઞાન મળી રહે તે માટે સરકાર દ્વારા બેગલેસ દિવસનું આયોજન કરેલ છે જે અંતર્ગત આજરોજ માથક પે સેન્ટર શાળામાં ધોરણ-૬ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હળવદ માર્કેટિંગ યાર્ડ,હળવદ ન્યાય મંદિર , હળવદ મામલતદાર કચેરી, હળવદ પોલીસ સ્ટેશન, હળવદ તાલુકા પંચાયત તથા હળવદ આઈ.ટી.આઈ.ની મુલાકાત કરાવવામાં આવી હતી.

સૌપ્રથમ બાળકોએ હળવદ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લીધી હતી.માર્કેટિંગ યાર્ડની મુલાકાત દરમિયાન બાળકોએ ખેડૂતો દ્વારા લાવેલા વિવિધ પાકો જેવા કે જીરુ,રાય, ધાણા વગેરે..નો ભાવ હરાજી દ્વારા કઈ રીતે નક્કી થાય,તેમજ કેવી રીતે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તેનું બાળકોએ પ્રત્યક્ષ અવલોકન કર્યું અને સાથે માર્કેટિંગ યાર્ડના અધિકારી, વેપારી અને અન્ય માર્ગદર્શક સહકાર્યકારો દ્વારા તમામ માર્કેટિંગ યાર્ડની સંચાલનથી માંડીને તમામ યાર્ડને લગતી બાબતોની જીણવટપૂર્વક માહિતી બાળકોને આપવામાં આવી હતી.

બાદમાં બાળકોને હળવદ ન્યાયાલયની મુલાકાત દરમિયાન માનનીય ન્યાયાધીશ પઠાણની અધ્યક્ષતામાં ચાલી રહેલા ફોજદારી કેસને બાળકોને પ્રત્યક્ષ નિહાળવાનો મોકો મળ્યો હતો.આ ઉપરાંત, ન્યાયાધીશ પઠાણ અને ઉપસ્થિત સરકારી વકીલ દ્વારા પોતાનો અમૂલ્ય ફાળવી કોર્ટની અંદર ચાલતી તમામ બાબતોની બાળકોને વિસ્તારથી સમજ આપવામાં આવેલ હતી.મામલતદારની કચેરીની મુલાકાત દરમિયાન બાળકોએ ત્યાં વિવિધ વિભાગોમાં શું કામગીરી થાય છે તેની બાળકોએ માહિતી મેળવેલ હતી.જેમ કે રેશનકાર્ડની કામગીરી,જાતિના અને આવકના દાખલા અંગેની કામગીરી વગેરે કામગીરીની માહિતી મેળવી હતી. ત્યારબાદ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી હતી.પોલીસ સ્ટેશનની મુલાકાત દરમિયાન ઉપસ્થિત પોલીસ જવાન દ્વારા પોલીસની સમાજ પ્રત્યેની ફરજ અને હળવદ પોલીસની સક્રિય કામગીરીથી બાળકોને વાકેફ કર્યા હતા સાથે બાળકોને એક સારા નાગરિક કેવી રીતે બની શકાય તે અંગેની સમજ આપવામાં આવેલી હતી, આ ઉપરાંત પોલીસ સ્ટેશનના વિવિધ વિભાગોની પણ બાળકોએ પ્રત્યક્ષ મુલાકાત લીધેલી હતી. ત્યારબાદ તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેવામાં આવી હતી.

- text

તાલુકા પંચાયત કચેરીની મુલાકાત દરમિયાન બાળકોએ શિક્ષણ શાખા, ખેતીવાડી શાખા વગેરે જેવા વિભાગોની રૂબરૂ મુલાકાત લઇ અને તેની કામગીરી અંગે સમજ મેળવી હતી,તેમજ માનનીય ટીડીઓ સાહેબશ્રીએ પોતાનો કિંમતી સમય આપી બાળકોને સવિશેષ માર્ગદર્શન પૂરું પાડેલ હતું. ત્યારબાદ બાળકો દ્વારા આઇ. ટી.આઇ.ની મુલાકાત લેવામાં આવેલ.આઈ.ટી.આઈ શૈક્ષણિક સંસ્થાની મુલાકાત દરમિયાન બાળકોએ આઈ.ટી.આઈ.માં ચાલતા વિવિધ અભ્યાસક્રમો અંગેની માહિતી મેળવી હતી આ ઉપરાંત,વેલ્ડીંગના વિવિધ મશીનો કઈ રીતે કાર્ય કરે છે તેની પ્રેક્ટીકલ સમજ મેળવી હતી. આ તમામ સરકારી કચેરીઓની મુલાકાતથી બાળકોને સરકારી વિભાગોમાં કઈ રીતે કામગીરી થતી હોય છે તેની પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. જેથી બાળકો આનંદીત જોવા મળતા હતા. સમગ્ર કાર્યક્રમનું આયોજન માથક પે સેન્ટર શાળા પરિવારના આચાર્ય તથા શિક્ષક ગણ દ્વારા કરવામાં આવેલ હતું.

- text