મોરબીની ટાઇલ્સ વર્લ્ડ બેસ્ટ ! ફોરેન બાયરોની ધૂમ ખરીદી

રાજકોટ ખાતે આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમાં બે દિવસમાં 300 જેટલા બાયરો આવ્યા

મોરબીના 140 જેટલા ક્વોલિટી ઉત્પાદકોના સ્ટોલમાં દેશ અને વિદેશના બાયરોની ધૂમ ઇન્કવાયરી

મોરબી : સમગ્ર વિશ્વમાં બીજા ક્રમનું સ્થાન ધરાવતા મોરબીના સિરામિક ઉદ્યોગકારોએ રાજકોટમાં આયોજિત ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટમાં ડંકો વગાડી દીધો છે, તા.7થી 10 જાન્યુઆરી સુધી આયોજિત ચાર દિવસીય સમિટમાં ફોરેન બાયરોનો ધસારો જોતા આવતીકાલે મંગળવારે સવારના સમયે ખાસ ફોરેન બાયરો માટે જ સમીટમા બી ટુ બી સહિતના આયોજન કરાયા છે.

રાજકોટ ખાતે તા.7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી દરમિયાન ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટનું આયોજન કરાયું છે જેમાં મોરબીની 140 જેટલી કંપનીઓએ પોતાના સ્ટોલ થકી પોતાની પ્રોડક્ટ ડિસ્પ્લે કરી છે અને સમિટમાં દેશ ઉપરાંત વિદેશના ગ્રાહકો પણ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે.

મોરબી સિરામિક એસોસીએશનના પ્રમુખ મુકેશભાઈ કુંડરિયા અને હરેશભાઇ બોપલીયાએ બિઝનેશ સમીટ અંગે પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમિટમાં સ્થાનિક ગ્રાહકોની તુલનાએ ફોરેન બાયરો મોટી સંખ્યામાં આવી રહ્યા છે અને બે જ દિવસમાં 300 જેટલા બાયરો પોઝિટિવ ઇન્કવાયરી અને ખરીદી માટે આવ્યા છે જે ખૂબ સારી વાત છે.

દરમિયાન ગ્લોબલ પાટીદાર સમિટમાં મહત્વપૂર્ણ જવાબદારી નિભાવી રહેલા કેપેકસીએલના વાઇસ ચેરમેન અને મોરબી સિરામિક એસોસિએશનના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ જેતપરિયાએ જણાવ્યું હતું કે, સમીટમા ભાગ લેનાર મોરબીની તમામ કંપનીઓને ખૂબ જ બહોળો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. ખાસ કરીને ફોરેન બાયરોનો ફલો જોતા આવતીકાલે મંગળવારના રોજ સવારના સમયે માત્ર ફોરેન બાયરો માટે જ સમીટમા બીટુબી સહિતની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને એકંદરે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટના બે દિવસમાં જ મોરબીના સિરામિક ઉદ્યોગને સારો એવો ફાયદો મળ્યો હોવાનું તેમને જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગ્લોબલ પાટીદાર બિઝનેશ સમીટમાં સિરામીક સિવાય પણ બીજી સૌરાષ્ટ્રની પ્રોડકટ માટે 135 થી વધુ બાયરો માટે પણ બીટુબી માટે આયોજન થઇ રહ્યુ છે. સરદારધામ ના પ્રમુખ સેવક ગગજીભાઇ સુતરીયા દ્વારા આ એક્ઝિબિશનમા સર્વ સમાજના લોકોને સ્ટોલ આપવામા આવ્યા છે જે સામાજીક સમરસ્તા નુ પણ ઉત્તમ ઉદાહરણ સરદારધામ દ્વારા પુરૂ પાડવામા આવ્યુ છે .

આ સમિટમાં દેશ વિદેશના બાયરો ઉપરાંત મીનીસ્ટરો અને જુદા જુદા દેશોના એમ્બેસેડરો અને વિવિધ દેશોમાથી ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનીધીઓ અને એશોસીએશનો પણ જોડાયા છે. જીપીબીએસના સહ કન્વીનર અને સિરામીક એશોસીએસનના ઉપપ્રમુખ નરેન્દ્રભાઇ સંઘાત સાથે વાત કરતા તેમને જણાવ્યુ હતુ કે આ એક્સપોમાં ફોરેનથી આવનાર દરેક ગ્રાહકોએ પણ એક્સપોનુ આયોજન જોઇ અને સિરામીકના ડીસ્પલે જોઇ મોરબીની સિરામીક પ્રોડક્ટની ડીઝાઇન અને કવાલીટી માટે બહુ જ સારો પ્રતિસાદ આપી રહ્યા છે. બધા જ ગ્રાહકો મોરબીના સિરામીક ઉત્પાદકો સાથે બીટુબી કરીને સંતોષ વ્યક્ત કર્યો હતો સાથે સાથે વિદેશી ગ્રાહકોએ પણ ઉત્કૃષ્ટ ક્વોલિટી પ્રોડક્ટ અંગે હકારાત્મક પ્રતિભાવ આપતા મોરબીના સિરામિક ઉદ્યોગને ફાયદો મળ્યો છે.