મોરબીનો પંચાસર રોડ પહોળો કરવા તંત્રનું મેગા ડીમોલેશન

- text


અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનોના દબાણ નહિ હટતા આશરે 200 જેટલા મકાનો તોડી પડવાની કામગીરી હાથ ધરાઈ

મોરબી : મોરબી શહેરના પંચાસર રોડ પહોળો કરવા માટે આજે રોડ બનાવવામાં નડતરરૂપ ગેરકાયદે દબાણો ઉપર તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. અગાઉ નોટિસ આપ્યા છતાં મકાનોના દબાણ નહિ હટતા આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ડે. કલેકટર, ઇન્ચાર્જ ચીફ ઓફિસર, મામલતદાર સહિતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા આશરે 200 જેટલા મકાનો તોડી પડવાની કામગીરી હાથ ધરાઈ છે. જો કે અગાઉ આ મકાનોમાં રહેતા સામાન્ય પરિવારોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી હોવા છતાં કાચા પાકા ઘરો તોડી પાડવાની કામગીરી શરૂ થતાં અસરગ્રસ્તો બેઘર બની જવાની ભીતિએ લોકોમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

મોરબીના પંચાસર રોડને પહોળો બનાવવાની કામગીરી મંજૂર થતા આ રોડ બનાવવા માટે પાલિકા તંત્રએ અગાઉ પંચાસર રોડ ઉપર આવેલ ભારતપરામાં 30થી વધુ વર્ષોથી કાચા પાકા મકાનોમાં રહેતા આશરે 300 જેટલા પરિવારોને નોટિસ આપી હતી અને જો આ મકાનો જાતે નહીં ખાલી કરે તો તંત્ર દ્વારા ગેરકાયદેસર મકાનો તોડી પડાશે તેવી ચેતવણી આપવામાં આવી હતી, અચાનક જ મકાનો ખાલી કરવાની નોટીસથી ફફડી ઉઠેલા 300 જેટલા પરિવારો તેમના સમાજના ધર્મગરુની આગેવાનીમાં જિલ્લા કલેકટર પાસે દોડી ગયા હતા અને આ લોકો એકદમ ગરીબ પરિવારના હોય ટંકનું લઈને ટંકનું ખાનાર હોય આવા સંજોગોમાં મકાનો તોડી પડાશે તો ક્યાં જશે ? નવા મકાનો બનાવવા કે ભાડે મકાન લેવાની ક્ષમતા ન હોય મકાનો તોડી પાડતા પહેલા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ કરી હતી. પણ આ માંગણી સંતોષાઈ એ પહેલાં જ આજે સવારે તંત્રએ પંચાસર રોડ ઉપર ભરતપરામાં મકાનો પર બુલડોઝર ફેરવાનું શરૂ કરી દેતા મકાનો વિહોણાં બનેલા લોકો કફોડી હાલતમાં મુકાય ગયા છે.

વધુમાં આજે સવારથી મોરબી નગરપાલિકા તંત્રના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમાર, ડીવાયએસપી, 120 પોલીસ જવાનો અને 15 પોલીસ અધિકારી, ડે. કલેકટર અને મામલતદાર વાળા, નિખિલ મહેતા, સહિત રેવન્યુ અને પાલિકાનો 80 જેટલો સ્ટાફે ડીમોલેશન હાથ ધરીને આશરે 200 જેટલા ગેરકાયદે મકાનો પર બુલડોઝર ફેરવી દેવાની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર સુશીલ પરમારે જણાવ્યું હતું કે, રોડ પહોળો કરવામાં નડતર રૂપ બાંધકામ હટાવવા માટે લોકોને પૂરતો સમય આપવામાં આવ્યો હતો અને અનેક લોકોએ પોતાના મકાન સ્વૈચ્છીક ખાલી કરી નાખ્યા છે અને બાકી રહેતા મકાનો હટાવવા માટે હાલમાં પાંચ જેસીબી, 8થી વધુ ટ્રેક્ટરો સહિતના વાહનોના મોટા કાફલા સાથે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.

- text

- text