હળવદના પનોતા પુત્ર પદ્મશ્રી ઝવેરીલાલ મહેતાને ભાવ પૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

- text


સાધુ સંતો અને સમાજ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતમાં શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

હળવદ : હળવદના પનોતાપુત્ર અને ઝાલાવાડ સહિત ગુજરાતનું ગૌરવ દેશ દુનિયામાં વધારનાર ફોટો જર્નલિસ્ટ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત ઝવેરીલાલ મહેતાનું 27 નવેમ્બર 2023ના રોજ ટુંકી બીમારી બાદ ૯૬ વર્ષની ઉમરે અવસાન થતા હળવદ મધ્યે આવેલ શિશુ મંદિર ખાતે સદગતની આત્મા ને શાંતિ મળે તે હેતુથી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પ્રાર્થના સભામાં હળવદના સમાજ શ્રેષ્ઠીઓ સહિત નગરજનોએ સદગતને ભાવપૂર્વક શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. ઝવેરીલાલ મહેતા 1980ના દાયકાથી ગુજરાત સમાચાર સાથે સંકળાયેલા હતા. તેઓ ગુજરાત રાજ્યના 13 મુખ્ય પ્રધાનોના જીવન અને સમયના દસ્તાવેજીકરણ માટે લોકપ્રિય હતા અને તેમના લેન્સે 2001ના ધરતીકંપ અને 1998ના કચ્છ ચક્રવાત જેવી ઘટનાઓને કેદ કરી હતી તેમના લેન્સ દ્વારા ક્લિક કરેલ ફોટોગ્રાફ્સ હ્રદયસ્પર્શી હતા અને ફોટો સ્ટોરીની ત્રણથી ચાર લીટીમાં ઘણો બધો સંદેશ લોકોને મળી રહેતો હતો.

ઝવેરીલાલ દલપતરામ મહેતાને સાહિત્ય અને શૈક્ષણિક પત્રકારત્વના ક્ષેત્રોમાં તેમના યોગદાન બદલ વર્ષ 2018માં પદ્મશ્રી પુરસ્કાર પ્રાપ્ત હતો.

2018માં, ઝવેરીલાલ મહેતાને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ પીઢ ગુજરાતી ફોટો જર્નાલિસ્ટ ઝવેરીલાલ મહેતાના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી હતી.

પ્રધાનમંત્રીએ લાંબી અને વિશિષ્ટ કારકિર્દીમાં ફોટો જર્નાલિઝમના ક્ષેત્રમાં તેમના યોગદાનને યાદ કર્યું હતું અને પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની સાથેનો ફાઈલ ફોટો શેર કરી શોક વ્યક્ત કર્યો હતો. હળવદ ખાતે આવેલ શિશુ મંદિર ખાતે આયોજિત પ્રાર્થના સભામાં સાધુ સંતો અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અને સમાજ શ્રેષ્ઠીઓ અને સેવાભાવી લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને શિશુ મંદિરની બાળાઓ દ્વારા સંસ્કૃત શ્લોકોના પઠન થકી સહ વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તકે, હાજર સૌ લોકોએ સ્વ. ઝવેરીલાલ મહેતા સાથેના પોતાના સંસ્મરણોને વાગોળ્યા હતા અને તેમની આ ઉમરે પણ યુવાન જેવી સ્ફૂર્તિ અને નિર્વિવાદિત વ્યક્તિત્વ અન્યો માટે પ્રેરણારૂપ છે તેમ કહ્યું હતું.આ કાર્યક્રમ ને સફળ બનાવવા શિશુ મંદિર ના સંચાલકો સહિત યુવાનો એ જહેમત ઉઠાવી હતી.

- text

- text