અક્ષય નવમીએ મૂળમાં વિષ્ણુ, ઉપર બ્રહ્મા, સ્કંદમાં રૂદ્રનો વાસ ધરાવતા આમળાના વૃક્ષની પૂજાનો મહિમા

- text


ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ માટે આમળાનું સેવન અતિ ગુણકારી

મોરબી : કારતક મહિનાની શુક્લ પક્ષની નોમ તિથિએ આમળા નવમી મનાવવામાં આવે છે. જેને અક્ષય નવમી પણ કહે છે. આ દિવસે વ્રત, પૂજા, તર્પણ અને દાનનુ વિશેષ મહત્વ હોય છે. આમળાને અમરત્વનું ફળ પણ કહેવામાં આવે છે. આ દિવસે આમળાનું સેવન કરવાથી આરોગ્ય સારું રહે છે. આમળાના વૃક્ષની નીચે ભોજન કરવાથી ઉત્તમ સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય છે. આ દિવસે આમળાના વૃક્ષની પાસે વિશેષ પ્રકારની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે અક્ષય નવમી આજ રોજ તા. 21 નવેમ્બરે મનાવવામાં આવશે.

અક્ષય નવમીનું મહત્વ

આ વ્રતને અક્ષય પુણ્ય આપનાર વ્રત પણ કહેવામાં આવે છે. એટલે આ તિથિએ આમળાની પૂજા કરવાથી મળતું પુણ્ય ક્યારેય નષ્ટ પામતું નથી. આ દિવસે મહિલાઓ સારા સ્વાસ્થ્ય, સંતાન સુખ અને સમૃદ્ધિની કામના સાથે આમળાના ઝાડ, વિષ્ણુ અને લક્ષ્મીજીની પૂજા કરે છે. માન્યતા છે કે આ દિવસે આમળાના ઝાડની નીચે ભોજન બનાવવાથી અને તેનું સેવન કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ નષ્ટ પામે છે.

આમળાના વૃક્ષનું ધાર્મિક મહત્વ

પુરાણો પ્રમાણે આમળાનું વૃક્ષ સાક્ષાત વિષ્ણુનું જ સ્વરૂપ છે. તે વિષ્ણુને પ્રિય છે. તેના મૂળમાં ભગવાન વિષ્ણુ, ઉપર બ્રહ્મા, સ્કંદમાં રૂદ્ર, શાખાઓમાં મુનિગણ, ડાળીઓમાં દેવતા, પાનમાં વસુ, ફૂલમાં મરૂદગણ અને ફળમાં પ્રજાપતિનો વાસ થાય છે. એટલે ગ્રંથોમાં આમળાને સર્વદેવયી કહેવામાં આવે છે. આમળાના વૃક્ષની નીચે શ્રીહરિ વિષ્ણુના દામોદર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

- text

પૌરાણિક કથા

કહેવામાં આવે છે કે શ્રીકૃષ્ણે ગ્વાળ બાળ અને વ્રજવાસીઓને એક સૂત્રમાં જોડવા માટે અક્ષય નોમ તિથિએ ત્રણ વનની પરિક્રમા કરી હતી. નોમ તિથિએ મંગળ ગ્રહનો પ્રભાવ હોય છે. આ ગ્રહ યુદ્ધ અને પરાક્રમનો કારક હોય છે. એટલે આ તિથિએ યુદ્ધની પ્રતિજ્ઞા અને શંખનાદ કરવામાં આવે છે. અક્ષય નોમ પછીના દિવસે દસમ તિથિએ શ્રીકૃષ્ણે કંસનો વધ કર્યો હતો.

એવું પણ માનવામાં આવે છે  આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો. આ દિવસે શ્રીકૃષ્ણે કંસનો વધ પણ કર્યો હતો અને ધર્મની સ્થાપના કરી હતી. ઋગ્વેદમાં જણાવવામાં આવ્યું છે કે આ દિવસે સતયુગનો આરંભ થયો હતો. તેથી આમળા નવમીએ ભગવાન શ્રીકૃષ્ણએે વૃંદાવન-ગોકુળની શેરીઓ છોડીને મથુરા પ્રસ્થાન કર્યુ હતુ. આ દિવસથી વૃંદાવનની પરિક્રમા પણ પ્રારંભ થાય છે.

- text