હળવદ હાઈ-વે પર સર્જાયેલ અકસ્માતમાં બહેન બાદ ભાઈનું પણ સારવાર દરમિયાન મોત

- text


રવિવારના રોજ ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા બહેનનું મોત નીપજ્યું હતું,ગતરાત્રિના ભાઈનું પણ સારવાર દરમિયાન મોત થયું 

હળવદ : હળવદ હાઇ-વે પર રવિવારના રોજ બપોરના સમયે લગ્ન પ્રસંગમાંથી બે બહેનો અને એક બાઈક પર પરત પોતાના ગામ જેતપર જઈ રહ્યા હતા ત્યારે સુસવાવ ગામના પાટીયા નજીક સામેથી આવી રહેલ ટ્રેક્ટર ચાલકે બાઇકને અડફેટે લેતા એક બહેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.જ્યારે ભાઈ-બહેનને ગંભીર ઈજા પહોંચી હોય જેથી આ બંનેને સારવાર માટે હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જો કે ગતરાત્રિના ભાઈનું પણ સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

આ બનાવવામાં જાણવા મળતી વિગતો મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા પ્રકાશભાઈ ચંદુભાઈ કોળી ઉમર વર્ષ 18, હેતલબેન ચંદુભાઈ કોળી ઉમર વર્ષ 23 અને તેઓની કાકા ની દીકરી પાયલબેન રાજુભાઈ કોળી ઉમર વર્ષ 20 આ ત્રણેય ભાઈ બેન હળવદ તાલુકાના રાણેકપર ગામે ગત તારીખ-૫-૧૧-૨૦૨૩ના રોજ માસીના દીકરાના લગ્ન પ્રસંગમાં આવ્યા હતા.જાન ધાંગધ્રા તાલુકાના ગોપાલ ગઢ ગામે ગઈ હોય જેથી ગોપાલ ગઢ ગામે બપોરે જમીને પરત બાઈક પર જેતપર જઈ રહ્યા હતા ત્યારે હળવદ હાઇ-વે પર આવેલ સુસવાવ ગામના પાટીયા નજીક રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રેક્ટર ચાલકે અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

- text

અકસ્માતમાં ઘટના સ્થળે જ હેતલબેન ચંદુભાઈ કોળીનું મોત નીપજ્યું હતું જ્યારે તેના નાના ભાઈ પ્રકાશને ગંભીર ઈજા પહોંચતા પ્રથમ હળવદ અને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.તેમજ પાયલબેન રાજુભાઈ કોળીને પણ ઈજા પહોંચી હોય જેથી તેઓને હળવદ જ સારવાર આપવામાં આવી હતી.જોકે અમદાવાદ સારવારમાં રહેલ પ્રકાશનું ગતરાત્રિના સારવાર દરમિયાન મોત નીપજતા એક જ પરિવારમાં સગા ભાઈ બહેનના મોતથી કાળો કલ્પાંત છવાઈ ગયો છે.

બીજી તરફ હળવદ પોલીસ દ્વારા અકસ્માતની ઘટનામાં ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ પાયલબેન રાજુભાઈ કોળીની ફરિયાદ લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text