મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન પૂર્ણ : 60થી 65 ટકા મતદાન થયાનો અંદાજ

- text


મોરબી, વાંકાનેર અને ટંકારા વિધાનસભાના 889 મતદાન મથકો ઉપર ગરમી વચ્ચે પણ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું

મોરબી : મોરબી જિલ્લામાં શાંતિપૂર્ણ વાતવરણમાં મતદાન પૂર્ણ થઈ ગયું છે. મોરબી, વાંકાનેર અને ટંકારા વિધાનસભાના 889 મતદાન મથકો ઉપર ભારે ગરમી વચ્ચે પણ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. અમુક મતદાન મથકો પર 6 વાગ્યા બાદ પણ મતદારોની લાઈનો હોય તેવા બુથ પર કેમ્પસમાં આવી ગયેલા મતદારો માટે મતદાન ચાલુ રહ્યું હતું. જ્યારે મોરબી જિલ્લામાં 60થી 65 ટકા મતદાન થયાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે ફાઇનલ મતદાનના આંકડા હજુ આવ્યા નથી.

મોરબી જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠકો ઉપર લોકસભાની ચૂંટણી માટે અધિકારીઓ દ્વારા મોકપોલ બાદ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. મતદાનનો આ મહાપર્વ ઉજવવામાં મોટી સંખ્યામાં મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો હતો. 65-મોરબી વિધાનસભા વિસ્તારના 295 મતદાન મથકો, 66-ટંકારા વિધાનસભા વિસ્તારના 291 મતદાન મથકો અને 67-વાંકાનેર વિધાનસભા વિસ્તારના 303 એમ જિલ્લામાં કૂલ 889 મતદાન મથકો ઉપર એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું.

સાંજે 5 વાગ્યા સુધીમાં મોરબી વિધાન સભામાં 52.25 ટકા, વાંકાનેર વિધાનસભામાં 57.47 અને ટંકારા વિધાનસભા વિસ્તારમાં 59.21 ટકા મતદાન નોંધાયું હતું. જ્યારે છેલ્લી એક કલાકમાં પણ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. 6 વાગ્યા સુધીમાં જિલ્લામાં સરેરાશ 60 થી 65 ટકા વચ્ચે મતદાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. જોકે ફાઇનલ આંકડા હજુ આવવાના બાકી છે.

- text

- text