મોરબી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ યોજાશે

- text


મોરબી : જલારામ મંદિર મહિલા મંડળ- મોરબી દ્વારા આગામી તારીખ 8 ઓક્ટોબર થી 14 ઓક્ટોબર સુધી બિનવારસી દિવંગતો, ઝૂલતાપુલ દુર્ઘટનાના દિવંગતો સહિત સર્વ પિતૃઓના મોક્ષાર્થે 11 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. બાળવિદુષી રત્નેશ્વરીદેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ)ના વ્યાસાસને બિરાજી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું શ્રોતાઓને રસપાન કરાવશે.

મોરબીના જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આગામી તારીખ 8 ઓક્ટોબર ને રવિવાર ભાદરવા વદ-9 થી તારીખ 14 ઓક્ટોબર ને શનિવાર ભાદરવા વદ અમાસ દરમિયાન સર્વ પિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન મોરબીના જલારામ પ્રાર્થના મંદિર ખાતે કરવામાં આવ્યું છે. જેમાં વ્યાસાસને બાળવિદુષી રત્નેશ્વરીદેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તારીખ 8 ઓક્ટોબર ને રવિવારે દરિયાલાલ મંદીર-બજાર લાઈન, મોરબી થી સાંજે 4 કલાકે પ્રસ્થાન થશે. પોથી યાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પવિત્ર પોથીજીની પધારમણી થશે તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થશે.

જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજાનો જન્મ, શુકદેવજી મહારાજનું આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજાનો મોક્ષ સહિતના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમથી ઉજવવામાં આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન દરરોજ બપોરે 3 થી 7 કલાક દરમિયાન યોજાશે. તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે 7 કલાકે યોજાશે.

સર્વ પિતૃ મોક્ષાર્થે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહના યજમાન પદે મીનાબેન ચંદ્રકાંતભાઈ કક્કડ પરિવાર, નર્મદાબેન ઝવેરચંદભાઈ પોપટ પરિવાર, સ્વ. વાલજીભાઈ આણંદજીભાઈ ખાખરીયા પરિવાર, સ્વ. વિજયભાઈ રાજેન્દ્રભાઈ વિઠ્ઠલાણી પરિવાર, જશુબેન જેરામભાઈ જેઠવા પરિવાર, કુંવરબેન હરિભાઈ ચૌહાણ પરિવાર, મગનભાઈ ગીરઘરભાઈ જોબનપુત્રા પરિવાર, દીનેશચંદ્ર મણીલાલ પારેખ સહિતના પરિવારો બિરાજમાન થશે.

- text

શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથી યાત્રામાં પધારવા, શ્રીમદ્ ભાગવત સપ્તાહનું રસપાન કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

11 પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં 1 પોથી બિનવારસી દિવંગતો માટે તેમજ 1 પોથી મોરબી ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતો માટે રાખવામાં આવી છે. ઝૂલતા પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના ફોટા તારીખ 7 ઓક્ટોબર સુધીમાં જલારામ મંદિર ખાતે પહોંચાડી દેવા સંસ્થાએ જણાવ્યું છે. મૃત્યુ પામેલા દિવંગતોના આત્માની શાંતિ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનું હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઝૂલતા પુલ દુર્ઘટનાના દિવંગતોના આત્માના શાંતિ અર્થે તેમના પરિવારજનોના વરદ્ હસ્તે જ દરરોજ પોથી પૂજન કરાવવામાં આવશે. તે માટે જલારામ મંદિર-મોરબીના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી- મો.નં. 9825082468 તથા અનિલભાઈ સોમૈયા- મો.નં. 8511060066 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text