અનુસૂચિત જાતિ સમાજને અન્યાય નહીં થાય : તમામ પોલીસ મથકમાં અરજી નિકાલ માટે ખાસ રજીસ્ટર 

- text


રાજકોટ રેન્જ આઇજી દ્વારા મોરબી સહિત પાંચ જિલ્લામાં અનુસુચિત જાતિ/જનજાતિના લોકોની અરજી માટે વિશેષ રજિસ્ટરની શરૂઆત કરવાની સાથે એટ્રોસિટી એક્ટની ફરિયાદોમાં મહિનામાં બે વખત સમીક્ષા કરાશે 

મોરબી : તાજેતરમાં સૌરાષ્ટ્રમાં અનુસૂચિત જાતિ સમાજને અન્યાય થાય તેવી બે ઘટનાઓ સામે આવ્યા બાદ રાજકોટ રેન્જ હસ્તકના મોરબી સહિતના તમામ પાંચ જિલ્લાઓમાં અનુસુચિત જાતિ/જનજાતિના લોકો તરફથી આવતી અરજી અંગે અલગથી નવું “વિશેષ અરજી રજિસ્ટર પ્રથા અમલમાં મુકવાની સાથે એટ્રોસિટી એક્ટ હેઠળ નોંધાતી ફરિયાદોમાં મહિનામાં બે વખત સમીક્ષા કરવા નિર્ણય કર્યો છે.

પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ દ્વારા રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓ રાજકોટ ગ્રામ્ય, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર તથા દેવભુમિ દ્વારકામાં અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના લોકો દ્વારા કરવામાં આવતી અરજીઓ બાબતે વિશેષ ધ્યાન આપી અરજીઓ બાબતે બનતા ગંભીર પ્રકારના બનાવો અટકાવવાના ઉદ્દેશ્યથી રાજકોટ રેન્જ હસ્તકના પાંચ જિલ્લાઓમાં નવું “વિશેષ અરજી રજિસ્ટર / Special Attention Register – SAR” (Orange Register) ની શરૂઆત કરવામાં આવી છે. આ જિલ્લાઓમાં ગત તારીખ 17 જુલાઈથી ખાસ વિશેષ અરજી રજિસ્ટર નિભાવવાની શરૂઆત કરવામાં આવી છે.

- text

વધુમાં આ રજિસ્ટરમાં અનુસુચિત જાતિ/જનજાતિને સ્પર્શતી તમામ સમસ્યાઓને લગતી આવતી અરજીઓનો સમાવેશ કરવામાં આવશે. જેનો એકમાત્ર ઉદ્દેશ્ય તેઓની સમસ્યાઓને અગ્રીમતા આપી તેઓની સમસ્યાઓનું ત્વરીત નિરાકરણ લાવવાનો છે. આ અરજીઓને 72 કલાકમાં નિકાલ કરવામાં આવશે. પોલીસ અધિક્ષકો મહિનામાં બે વખત 15 તથા 30 તારીખે એટ્રોસિટીના દાખલ થયેલ ગુન્હાની તથા પોલીસ સ્ટેશનના ‘’ Orange Register ‘’ માં આવેલી અરજીઓની નાયબ પોલીસ અધિક્ષક ડિવિઝન તથા નાયબ પોલીસ અધિક્ષક એસ.સી.એસ.ટી. સેલ સાથે મળી આવા ગુન્હાઓ તથા અરજીઓ અંગે રીવ્યુ કરી સમીક્ષા કરશે. આવી તમામ અરજીઓને નાયબ પોલીસ અધિક્ષક દર અઠવાડીયે પોલીસ સ્ટેશનવાઇઝ ચેક કરશે અને જરૂરી સુપરવિઝન રાખવા આદેશ કરાયો હોવાનું જાણવા મળે છે.

- text