હળવદ હાઈ-વે ઉપર કાર હડફેટે યુવાનનું મૃત્યુ 

- text


ગતરાત્રીના કોયબા ગામના પાટીયા નજીક સર્જાયો અકસ્માત 

હળવદ : હળવદ હાઇ-વે પર આવેલ કોયબા ગામના પાટીયા નજીક ગતરાત્રીના અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આપતી સ્વીફ્ટ કારના ચાલકે કોયબા ગામના યુવાનને હડફેટે લેતા યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. જો કે, અકસ્માત સર્જી કારચાલક ફરાર થઈ ગયો હતો.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઇ-વે ઉપર ગતરાત્રીના નવેક વાગ્યાના અરસામાં કોયબા ગામના પાટિયા નજીક પ્રવીણભાઈ કુકાભાઈ બાલાસણીયા ઉ. 33 હળવદથી મજૂરી કામ કરી પોતાના ગામ કોયબા જઈ રહ્યા હતા ત્યારે હાઇ-વે ઓળંગતી વેળાએ અમદાવાદ તરફથી પુરપાટ ઝડપે આવતી સ્વીફ્ટ કાર ચાલકે પ્રવીણભાઈને અડફેટે લેતા તેઓનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજ્યું હતું.

બનાવને પગલે 108 ની ટીમ તેમજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને મૃતક યુવાની લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવવામાં આવી હતી.જોકે અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો બાદમાં તેને જ પોલીસને જાણ કરી હતી કે તેના દ્વારા કોયબા ગામના પાટિયા નજીક અકસ્માત સર્જાયો છે. જેથી હાલ પોલીસ દ્વારા સ્વીફ્ટ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.આ બનાવની વધુ તપાસ હળવદ ટાઉન બીટ જમાદાર ભરતભાઈ આલ ચલાવી રહ્યા છે.

- text

- text