હળવદ તાલુકાની માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી યોજી મહામંત્રીની નિમણૂક

- text


વિધાર્થીઓને ચૂંટણી પ્રક્રિયા પ્રેક્ટિકલ રીતે સમજાવવા શિક્ષકોનો સરાહનીય પ્રયાસ

હળવદ : માથક શાળામાં બાલ સંસદની ચૂંટણી કરી મહામંત્રીની પસંદગી કરવામાં આવી હતી. શાળામાં વિવિધ સમિતીની રચના દ્વારા સુચારુ સંચાલન માટે બાળ સંસદની ચૂંટણી યોજવામાં આવી હતી.

બાલ સંસદની ચૂંટણી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ.ત્યારબાદ વિદ્યાર્થીના ઉમેદવારી પત્રો ફોર્મ ભરવામાં આવ્યા. ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેની ચકાસણી કરવામાં આવી. દરેક ઉમેદવારને તેમનુ નિશાન આપવામાં આવ્યું. મતદાન પ્રક્રિયા ની તમામ બાબતોને આવરી લઈ મતદાન કરવામાં આવ્યું. મતદાન યોગ્ય રીતે થાય તે માટે મતદાન અધિકારીની નિમણૂક કરવામાં આવી.

વિદ્યાર્થી ગુપ્ત રીતે મતદાન કરી શકે તે માટે મતકુટીર બનાવવામાં આવી. મતદાન માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી વિદ્યાર્થીએ મોબાઇલ એપ્લિકેશનની મદદથી મત આપ્યો. મત આપતી વખતે વિદ્યાર્થીના ચહેરા ઉપર અનેરો આનંદ જોવા મળતો હતો

- text

વિદ્યાર્થી ચૂંટણી બાદ તેની મતગણતરી કરવામાં આવી અને વિવિધ સમિતિ જેવી કે બાગાયત અને પાણી સમિતિ, પ્રાર્થના સમિતિ, લાઇબ્રેરી સમિતિ, રમતગમત અને પ્રવાસન સમિતિ, આરોગ્ય સમિતિ, સફાઈ સમિતિ, મધ્યાહન ભોજન સમિતિ, બાળહાટ સમિતિ ના મંત્રીની પસંદગી કરવામાં આવી.

સૌથી વધુ મત મેળવી શાળાના મહામંત્રી તરીકે ભોરણીયા ધવલભાઇની પસંદગી કરવામાં આવી. શાળાના આશરે 200 થી પણ વધારે વિદ્યાર્થીઓ પોતાના મતદાનનો ઉપયોગ કરી વિવિધ સમિતિના મંત્રી અને મહામંત્રીની પસંદગી કરવામાં આવી.

શાળા શિક્ષણ દરમિયાન જ વિદ્યાર્થીમાં અનુભવજન્ય જ્ઞાન અને નેતૃત્વના ગુણો ખીલે તે હેતુસર શાળામાં બાળ સંસદની રચના કરવામાં આવી. શાળાના શિક્ષક મનદીપભાઈ ગોસ્વામી અને કલ્પેશભાઈ મકવાણા દ્વારા આયોજન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના આચાર્ય વાઘેલા અમરશીભાઈ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપ્યું. મંત્રી અને મહામંત્રીને શાળામાં શ્રેષ્ઠ કામગીરી કરવાની શુભેચ્છા પાઠવી હતી.

- text