અવની ચોકડી વિસ્તાર ફરી પાણીમાં ગરકાવ

- text


વરસાદી પાણીના નિકાલ માટે તંત્રએ ચોમાસા પહેલા પાઇપલાઇન નાખવાનો ડીંગો હાંકી ખાતમુહૂર્ત બાદ કામ શરૂ ન થતા ગતરાત્રે પડેલા વરસાદમાં આ વિસ્તાર પાણી-પાણી થઈ ગયો

મોરબી : મોરબીના અવની ચોકડી વિસ્તારમાં એકાદ માસ અગાઉ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાનું ખાતમુહૂર્ત કરીને ચોમાસા પહેલા આ કામ પૂરું કરવાનો ડીંગો હાંકયો હતો. પણ એક મહિના બાદ આ પાઇપલાઇન નાખવાનું કામ જ શરૂ ન થતા અને હવે ચોમાસું બરોબર જામી જતા ગીતરાત્રે પડેલા ભારે વરસાદમાં અવની ચોકડી અને આસપાસનો વિસ્તાર ફરી પાણીમાં ગરકાવ થઈ જતા સ્થાનિકોએ તંત્ર અને ખાતમુહૂર્ત કરનાર ભાજપના નેતાઓ સામે ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો.

મોરબીના કેનાલ રોડ ઉપર આવેલ અવની ચોકડી અને આસપાસની સોસાયટીઓના રહીશોએ ઉગ્ર આક્રોશ ઠાલવતા કહ્યું હતું કે, અવની ચોકડી અને આસપાસની સોસાયટીઓમાં વર્ષોથી વરસાદી પાણી ભરાવવાની ગંભીર સમસ્યા છે. આ વરસાદી પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવા વર્ષોથી તંત્ર સમક્ષ રહીશો રજુઆત કરી રહ્યા હતા. ત્યારે આ વખતે તંત્ર અને ભાજપના નેતાઓને અમારી સમસ્યા પ્રત્યે આ વખતે સંવેદના જાગી અને પાઇપલાઇન નાખવાનું એવું શૂરાતન ચડ્યું કે ચોમાસા પહેલા અમારા વિસ્તારમાં પાણીના નિકાલ માટે પાઇપલાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરી નાખ્યું અને ભાજપના નેતાઓએ એવો ડિગો હાંકયો કે, અવની ચોકડીએ પાઇપલાઇન નાખવાનું કામ ચોમાસા પહેલા પૂરું થઈ જશે. પણ આ દાવો ખોટો પડ્યો અને પાઇપલાઇન નાખવાનું આજદિન સુધી કામ જ શરૂ ન થયું બીજી તરફ હવે ચોમાસુ જામી ગયું હોવાથી ગતરાત્રે ભારે વરસાદ પડતાં અવની ચોકડી અને આસપાસની સોસાયટીઓ બેટમાં ફેરવાય ગઈ એ હદે પાણી ભરાયા છે. ચાલીને તો ઠીક વાહન લઈને પણ નીકળવું મુશ્કેલ બન્યું છે. ત્યારે રહીશોએ એવો બળાપો ઠાલવ્યો હતો કે, આ પાઇપલાઇનનું કામ કરવાનું ન હતું તો ખાતમુહૂર્ત કરવાની શી જરૂર હતી ?

- text

- text