મોરબીના સોખડા નજીક ટ્રક હડફેટે રાજકોટના બે બાઇક સવાર યુવાનોના મોત

- text


માળીયા હાઇવે ઉપર બેન્ક કલેક્શનનું કામ પતાવી પરત રાજકોટ જતી વખતે બન્ને યુવાનોને કાળનો ભેટો થઈ ગયો

મોરબી : મોરબીના સોખડા ગામ પાસે મોરબી માળીયા હાઇવે ઉપર ટ્રક ચાલકે ડબલ સવાર બાઇકને હડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર રાજકોટના બે આશાસ્પદ યુવાનોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા.માળીયા હાઇવે ઉપર બેન્ક કલેક્શનનું કામ પતાવી પરત રાજકોટ જતી વખતે બન્ને યુવાનોને કાળનો ભેટો થઈ ગયો હતો.

મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર .મોરબી માળીયા હાઇવે ઉપર સોખડા ગામ નજીક પુરપાટ ઝડપે આવતા એક ટ્રક ચાલકે ત્યાંથી પસાર થતા ડબલ સવાર બાઇકને જોરદાર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઇક સવાર રાજકોટના રૈયા ચોકડી પાસે આવેલ શિવમ પાર્ક સોસાયટીમાં રહેતા જીજ્ઞેશભાઈ સુરેશભાઈ ગાંધી અને તેની સાથે રહેલા રાજકોટના રૈયા રોડ ઉપર અંબા ભુવન ધર્મનગરમાં રહેતા અમિતભાઇ વિજયભાઈ જોશી નામના બે યુવાનો રોડ ઉપર ફંગોળાઇ જતા બન્નેને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં જીજ્ઞેશભાઈ સુરેશભાઈ ગાંધીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અમિતભાઇ વિજયભાઈ જોશીને મોરબી બાદ રાજકોટ હોસ્પિટલમાં ખસેડતા ત્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત નીપજ્યું હતું.

- text

આ બનાવ અંગે તાલુકા પોલીસ કર્મચારી ફિરોજભાઈએ જણાવ્યું હતું કે, બન્ને મૃતક યુવાનો આઈઆઈએફએલ તેમજ કોટકમાં કલેક્શન એજન્સીમાં કામ કરતા હતા અને કામ સબબ તેઓ માળિયા હાઇવે ઉપર આવ્યા હતા અને ત્યાંથી પરત ફરતા હતા ત્યારે આ ગોજારો અકસ્માત સર્જાયો હતો મૃતક અમિત વિજયભાઈ જોશીને સંતાનમાં એક પુત્ર છે જ્યારે જીજ્ઞેશભાઈ સુરેશભાઈ ગાંધી અપરિણીત હતા. બન્ને યુવાનોના મોતથી તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હાલ મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

- text