ટીમ્બડી પાટિયા નજીક ટ્રક હડફેટે આશાસ્પદ યુવાનનું મૃત્યુ

- text


વૃદ્ધ પિતાના કુટુંબનો આધારસ્તંભ છીનવાયો, ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી

મોરબી : મોરબીના ટીમ્બડી ગામના પાટિયા નજીક સોમનાથ વે- બ્રિઝ પાસે ટ્રક ચાલકે ફુલ સ્પીડમાં અચાનક ટ્રક વળાંક વાળતા સર્વિસ સ્ટેશનના સંચાલક એવા આશાસ્પદ યુવાનનું કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. યુવાનનું મૃત્યુ થતા પરિવારનો આધારસ્તંભ છીનવાઈ જવાની સાથે ત્રણ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. આ અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક રેઢો મૂકી નાસી ગયો હતો.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ટીમ્બડી ગામના પાટિયા નજીક સોમનાથ વે- બ્રિઝ પાસે ટ્રક નંબર આરજે – 19 – GF – 8162ના ચાલકે ફૂલ સ્પીડમાં ટ્રક ચલાવી અચાનક ટ્રકને વળાંક વાળી લેતા ટાયરના જોટામાં આવી જતા સર્વિસ સ્ટેશન સંચાલક દિલીપસિંહ ચંદ્રસિંહ રાઠોડ ઉ.38 રહે. ટીમ્બડી વાળાનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું.

- text

બનાવ અંગે મૃતક દિલીપસિંહના પિતા ચંદ્રસિંહ અકસ્માત સર્જી ટ્રક રેઢો મૂકી નાસી ગયેલા ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, દિલીપસિંહ વૃદ્ધ પિતાની લાકડી સમાન એકને એક સંતાન હતા અને મૃતક દિલીપસિંહને પણ સંતાનમાં એક પુત્ર અને બે પુત્રીઓ હોય ત્રણેય સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે તો વૃદ્ધ પિતાએ ઘરનો આધારસ્તંભ ગુમાવ્યો છે.

 

- text