તારા છોકરાએ મારા દીકરાને કેમ માર્યો ? આખા પરિવારને છ શખ્સોએ ઢીબી નાખ્યો

- text


સ્કૂલમાં બાળકો વચ્ચેનો ઝઘડો બે પરિવાર વચ્ચે મારમારીમાં પરિણમ્યો : મોરબી સબ જેલ નજીક બનેલ બનાવ 

મોરબી : મોરબીની શાળામાં ભણતા બે બાળકો વચ્ચે ઝઘડો થયા બાદ આ ઝઘડો મોટી મારામારીમાં પરિણમ્યો હતો અને માર ખાનાર વિદ્યાર્થીના પિતાએ માર મારનાર પાડોશી વિદ્યાર્થીના ઘેર પહોંચી મારા દીકરાને કેમ માર્યો કહી બઘડાટી બોલાવી માર મારતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સબ જેલ નજીક વણકર વાસમાં રહેતા પ્રવીણભાઈ મોહનભાઇ પરમારે આરોપી કાળુભાઇ ગોવિંદભાઇ પરમાર, ગોરધનભાઈ ગોવિંદભાઇ પરમાર, ઈશ્વરભાઈ ગોરધનભાઇ પરમાર, જગાભાઈ, અશ્વિનભાઈ તેમજ વિનુભાઈ વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, તેમના પુત્ર દક્ષ ઉ.9ને આરોપી કાળુભાઇના પુત્ર સાથે સ્કૂલમાં ઝઘડો થયો હોય આરોપી કાળુભાઇ ગઈકાલે પ્રવિણભાઈના ઘેર આવ્યો હતો.

- text

વધુમા પ્રવીણભાઈના ઘેર આવેલા આરોપી કાળુભાઇએ કહ્યું હતું કે તારા પુત્રએ મારા પુત્રને કેમ માર માર્યો ? તું મારી નજર સામે તારા પુત્રને એક ઝાપટ માર આવું કહેતા પ્રવીણભાઈએ પોતાના પુત્રને હવે પછી ઝઘડો નહિ કરે તે માટે સમજાવી દેશે તેવું કહેવા છતાં આરોપી કાળુભાઇ માન્યો ન હતો અને પ્રવીણભાઈને ફડાકો મારી દીધેલ હતો.

બાદમાં આરોપી કાળુભાઇ ગોવિંદભાઇ પરમાર, ગોરધનભાઈ ગોવિંદભાઇ પરમાર, ઈશ્વરભાઈ ગોરધનભાઇ પરમાર, જગાભાઈ, અશ્વિનભાઈ તેમજ વિનુભાઈએ એક સંપ કરી હુમલો કરી પ્રવીણભાઈ તેમના પત્ની મીનાબેન અને તેમના મોટા પુત્ર સાવન વચ્ચે છોડાવવા પડતા માર મારી ઇજાઓ પહોંચાડતા આ મામલે ગુન્હો નોંધાવતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ 323, 504, 114 અને જીપી એકટની કલમ 135 મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

- text